(સંવાદદાતા દ્વારા) ધોરાજી, તા.૯
સુન્ની સંધિ મુસ્લિમ સમાજ એન્ડ એજ્યુ.ચેરી. ટ્રસ્ટ દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલ આવેદનપત્ર ધોરાજીના નાયબ કલેકટરને પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાડેર ગામે પટેલ આધેડની હત્યા થઈ હોવા અંગે ધોરાજી મુકામે ચોક્કસ કોમ દ્વારા શક્તિ પ્રદર્શન યોજી બે કોમ વચ્ચે અંતર ઊભુ કરવાના ઈરાદે અને કોમ-કોમ વચ્ચે વૈમનષ્ય સર્જાય તેવા હેતુથી આ વિસ્તારની શાંતિ પ્રિય પ્રજામાં તંગદિલી ઊભી થાય તેવા કૃત્યો ઈરાદાપૂર્વક આચરવામાં આવી રહ્યા છે. કારણ કે આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. રાજકીય રોટલા શેકવા આ બંને કોમને સામ-સામે અથડાવી શાંતિમાં પલિતો ચાંપવાની એક માત્ર ખેવના સાથે ખોટી રીતે રાજકીય રમતો રમાઈ રહી છે.
આ હત્યા પૂર્વે થોડા દિવસ પહેલા વંથલી તાલુકાના રવની ગામના સંધિ મુસ્લિમ આધેડની પણ હત્યા થઈ હતી. આ હત્યાઓ અંગત અદાવતમાં થઈ રહી છે જેમાં કોઈ સમાજને ડાયરેકટલી કાંઈ લેવા દેવા નથી. ખૂન કા બદલા ખૂનની નીતિ અપનાવી હત્યાઓ થઈ છે છતાં પણ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા એક માત્ર સંધિ મુસ્લિમ સમાજને બદનામ કરવાના ઈરાદે ખોટો હોબાળો મચાવી રાજકીય જશ ખાટવાના ઈરાદે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે મુસ્લિમ સમાજને બદનામ કરવા અને મુસ્લિમ સમાજમાં સંધિ મુસ્લિમ જ્ઞાતિને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતી જ્ઞાતિ સમજી ઈરાદાપૂર્વક આ જ્ઞાતિની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે. મુસ્લિમ સમાજ બંને હત્યાઓને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. બંને જ્ઞાતિના અગ્રણીઓ તટસ્થ અને સક્રિય ભૂમિકા ભજવી સમાધાનકારી વલણ અપનાવે તે સમયની માંગ છે. પરંતુ ટોળાશાહી ઊભી કરી માત્રને માત્ર એક કોમને બદનામ કરવાના ઈરાદે અને આ વિસ્તારના શાંતિપ્રિય પ્રજામાં તંગદિલી પ્રસરે તેવા કૃત્યો થઈ રહ્યા છે જેને અમો સખત શબ્દોમાં વખોડી રહ્યા છીએ.
આ કમનશીબ ઘટનાનું ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારી બંને પક્ષ દ્વારા રાખવામાં આવે અને તેમાં વહીવટી તંત્ર આગળ આવે અને સુલેહભર્યું વાતાવરણ ફરીથી સ્થપાયા તેવું અમો પણ ઈચ્છી રહ્યા છીએ પરંતુ ચોક્કસ હિતશત્રુઓ દ્વારા મોતનો મલાજો જાળવવાના બદલે માનવી સંસ્કૃતિઓને ભૂલી મૈયત પર રાજકારણ રમી રહ્યા છે તે નિંદનીય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ બંને ફરિયાદોમાં તટસ્થપણે, નિષ્ઠાપૂર્વક ઈન્વેસ્ટીગેશન કરી કાર્યવાહી કરે તેવી અમારી પણ માગણી છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે. તેના ઉપર ખોટી રીતે પોલિટીકલી પ્રેસર ઊભુ કરી તંગદિલીભર્યુ વાતારવણ ઊભુ કરવા મથી રહ્યા છે. જેને સમયસર ડામવા અતિ જરૂરી છે.