(એજન્સી) તા.૨૦
ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં ગઠબંધન સરકારને ટેકો પાછો ખેંચી લેતા રાજ્યમાં ભાજપ-પીડીપી ગઠબંધન સરકારનું પતન સંપૂર્ણપણે અણધાર્યુ ન હતું. બંનેએ ૨૦૧૪માં ગઠબંધનની શરૂઆત કરી હતી જેમાં ભાજપ કટ્ટર રાષ્ટ્રવાદી પક્ષ હતો અને પીડીપીને ભાજપે નરમ અલગતાવાદીનું લેબલ આપ્યું હતું અને તેમની સરકાર માટે ગઠબંધનનો જે એજન્ડા નક્કી થયો હતો તેનો અમલ થઇ શક્યો નહીં જે તેમની વિસંગતતાની વધુ એક સાબિતી છે.
મંગળવારે બપોર બાદ રામ માધવ દ્વારા પત્રકાર પરિષદમાં ગઠબંધનમાંથી હટી જવાના ભાજપના જે નિર્ણયની વાત કરી હતી તે નિર્ણય ભાજપના પક્ષે રાજકીય જવાબદારીમાંથી છટકી જવાથી સહેજપણ ઓછો નથી. રાજ્યમાં દમનના અવીરત ઉપયોગ પર ભાર મૂકવાનો સરકારનો અભિગમ અને રાજ્યની સમસ્યાઓના મૂળમાં રહેલ રાજકીય મુદ્દાઓ ઉકેલવા તરફ રાજકીય ચેષ્ટાનો ઇન્કાર છતાં આ ગઠબંધને રાજ્યમાં થોડેઘણે અંશે સ્થિરતા પૂરી પાડી હતી. શરૂઆતમાં મુફ્તી સૈયદે ૧૦ મહિના સુધી મુખ્ય પ્રધાન તરીકે ગઠબંધનને કામ કરતું રાખ્યું હતું અને જાન્યુ.૨૦૧૬માં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમના અનુગામી મહેબુબા મુફ્તીએ એપ્રિલમાં સીએમ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. મહેબુબા મુફ્તી પણ આ માટે દોષિત ગણી શકાય કારણ કે ભાજપે કાશ્મીર સમસ્યાને રાજકીય સમસ્યા તરીકે ગણવા ઇન્કાર કર્યો હતો. પહેલા દિવસથી જ તેનો અભિગમ કાશ્મીર સમસ્યા એ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા તરીકેનો હતો. ભાજપના આ પગલાં પાછળનું મુખ્ય કારણ એ છે કે તેની પાસે રાજકીય સંવાદ તરીકે આપવા જેવું કંઇ નથી કારણ કે તે સ્વાયત્તતાના મુદ્દામાં માનતો નથી. વાસ્તવમાં તે એવું માને છે કે જમ્મુ-કાશ્મીરને હાલ છે તેના કરતા ઓછી સ્વાયત્તતા હોવી જોઇએ. ભાજપ કેન્દ્ર ખાતે સરકાર ચલાવતો હોવાથી રાજ્ય માટે તેની ખાસ જવાબદારી છે. આ કારણસર શ્રીનગરમાં ગઠબંધનની તેની ભાગીદારી એક સારી વાત હતી પરંતુ હવે જ્યારે તેણે પીછેહઠ કરી છે ત્યારે કાશ્મીરની બાબતો માટે ભાજપની સંપૂર્ણ જવાબદારી છે. મહત્વનો પ્રશ્ન એ છે કે શું કાશ્મીર ખીણમાં સીધે સીધી લશ્કરી કાર્યવાહી સિવાય તેના મનમાં બીજી કોઇ વાત છે કે પછી ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં કાશ્મીર મુદ્દાનો ચૂંટણી રણનીતિ તરીકે ઉપયોગ કરવા માગે છે ? હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે છેલ્લા ૩૦ વર્ષ કરતા પણ વધુ કરુણ કરુણાંતિકા તરફ રાજ્ય જાણે આગળ ધપી રહ્યું છે. ભાજપે ભલે કાશ્મીર ગઠબંધન તોડી નાખ્યું હોય પરંતુ તે આ કરુણાંતિકા માટે પોતાની જવાબદારીમાંથી છટકી જઇ શકે નહીં.