(એજન્સી) શ્રીનગર, તા.૧૭
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા કાશ્મીરમાં પેલેટગનના ઉપયોગ સામે પોસ્ટકાર્ડ અને ઓનલાઈન પિટિશન દ્વારા વ્યાપક અભિયાન શરૂ કરાશે. માનવ અધિકારો માટે કામ કરતા સંગઠન દ્વારા લોકોની સહીવાળા પોસ્ટકાર્ડ અને અરજીઓ રાજ્યના મુખ્યમંત્રીને સુપરત કરાશે. એમ્નેસ્ટીના પ્રવકતા સ્મૃતિસિંહે કહ્યું કે પોસ્ટકાર્ડ અને પિટિશન સરકારને પેલેટગન બંધ કરવા વિનંતી કરશે. પેલેટગનથી ક્ષતિગ્રસ્ત લોકોનાં મોત અને ઈજાઓની તપાસ માટે એ કે સ્વતંત્ર તપાસ એજન્સી નિમવા માટે વિનંતી કરાશે.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના ભારતના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર આકાર પટેલે પેલેટગન એક અયોગ્ય અને ભેદભાવ પૂર્ણ શસ્ત્ર છે. ર૦૧૬માં આ શસ્ત્રથી ૧૪ લોકોએ જાન ગુમાવ્યા હતા. હજારો લોકોને શારીરિક અને માનસિક ઈજાઓ થઈ હતી. સતત તેનો ઉપયોગ યોગ્ય નથી. જેનાથી ભારે નુકસાન થયું છે.
રાજ્ય સરકારે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે રાજ્યમાં ૬રર૧ લોકોને પેલેટગનથી ઈજાઓ થઈ હતી. જેમાં ૭૮ર લોકોને આંખની ઈજાઓ થઈ હતી. ૮૮ લોકોએ આંખો ગુમાવી હતી. તેમ છતાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પેલેટગનના સ્થાને મરચા પાવડર પાવાસેલ ગનમાં ઉપયોગને મંજૂરી આપી હતી. ર૦૧૦માં કાશ્મીરમાં પેલેટગનનો ઉપયોગ શરૂ થયો હતો. ડોક્ટરો અને કાશ્મીરી નેતાઓએ પેલેટગનના ઉપયોગ સામે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમ છતાં તેનો ઉપયોગ ચાલુ છે.