અમદાવાદ,તા.૧૬
શહેરના નારોલ વિસ્તારમાં આવેલ વેબ્રિજમાં વજનકાંટાને મોબાઇલથી ઓપરેટ કરીને સ્ક્રેપનું વજન ઓછું બતાવીને છેતરપિંડી આચરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ભેગો થયેલ સ્ક્રેપ ટ્રકમાં ભરીને નારોલ વેબ્રિજ પર વજન કરવા માટે લઇ જવામાં આવ્યો હતો ત્યારે સ્ક્રેપ ખરીદનારે એક ચિપની મદદથી વેબ્રિજનો કંટ્રોલ પોતાના મોબાઇલ ફોનમાં લઇ લીધો હતો અને ર૬ ટન કરતાં વધુના સ્ક્રેપમાં ૮ થી ૯ ટકા ઘટ બતાવીને તેનું બિલ બનાવ્યું હતું. વેજલપુર વિસ્તારમાં આવેલ સૌરિત એપાર્ટમેન્ટમાં રહેતા અને એન્જિનિયરીંગ કંપનીમાં ફરજ બજાવતા સુબોધભાઇ નાયકે નારોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાદવના જણાવ્યા અનુસાર સુબોધભાઇ જે કંપનીમાં કામ કરે છે તેને વાસણાથી શિવરંજની સર્કલ સુધી મેટ્રો રેલ બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે.
તેમણે બીજા વેબ્રિજ પર સ્ક્રેપનું વજન કરાવતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો, જેથી કંપનીએ નારોલ પોલીસ સ્ટેશનમાં વેબ્રિજના બે ઓપરેટરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. નારોલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ મોબાઇલ ફોનથી કેવી રીતે વેબ્રિજનું વજન કાંટે કંટ્રોલ થાય તે મામલે રિકન્સ્ટ્રક્શન કરશે.