(એજન્સી)
નવીદિલ્હી, તા. ૩
સુપ્રીમ કોર્ટે આજે કાવેરીના મામલે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તામિલનાડુને બે ટીએમસી કાવેરી પાણી આપવા કર્ણાટકને નિર્દેશ કર્યો હતો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, જો કર્ણાટક તામિલનાડુ માટે પાણી જારી કરશે નહીં તો ગંભીર પરિણામો આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં આજે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કાવેરી જળ જારી કરવા માટે સ્કીમ ઘડી કાઢવા માટે તામિલનાડુની અરજી ઉપર સુનાવણી હાથ ધરી હતી. કાવેરીના મામલે તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે જોરદાર ખેંચતાણની સ્થિતિ રહેલી છે. કાવેરી નદીના પાણીની વહેંચણીને લઇને ચાલી રહેલા વિવાદનો અંત લાવવા માટે હવે કર્ણાટક પણ આક્રમક વલણ અપનાવી રહ્યું છે. વિવાદનો ઉકેલ લાવવાની બાબત હાલમાં કર્ણાટક ચૂંટણીના કારણે અટવાઈ પડી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરતા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, ડ્રાફ્ટ કેબિનેટની સમક્ષ રજૂ કરવામાં આવી ચુક્યો છે પરંતુ વડાપ્રધાન કર્ણાટક ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે હજુ સુધી આને જોવામાં આવ્યું નથી. અલબત્ત સુપ્રીમ કોર્ટે આ જવાબને લઇને કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સાથે સાથે પાણી છોડવા માટે આદેશ કર્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરતા એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને રજૂ કરવામાં આવેલા જવાબમાં કહ્યું હતું કે, કાવેરી નદીનો જળ વહેંચણી સાથે સંબંધિત ડ્રાફ્ટ કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવી ચુક્યો છે. વડાપ્રધાન હાલમાં કર્ણાટક ચૂંટણીમાં વ્યસ્ત છે. આજ કારણસર હજુ સુધી ડ્રાફ્ટને મંજૂરી મળી શકી નથી. વડાપ્રધાન છેલ્લા ઘણા દિવસથી કર્ણાટકમાં એક પછી એક રેલીઓ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના જવાબ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કર્ણાટક ચૂંટણી સાથે અમારે કોઇ લેવા દેવા નથી અને આ બાબત
તેમની ચિંતાની નથી. કર્ણાટક સરકારને તરત તામિલનાડુ માટે પાણી છોડવાની જરૂર રહેશે. કોર્ટે આ મામલાની સુનાવણી માટે આગામી તારીખ પણ નક્કી કરી દીધી છે. મામલાની વધુ સુનાવણી આઠમી મેના દિવસે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચાર ટીએમસી પાણી તરત જ તામિલનાડુને આપવા માટે કર્ણાટક સરકારને આદેશ કર્યો છે. સાથે સાથે કેન્દ્ર સરકારને પણ આદેશ કર્યો છે કે, આ મામલાના સંદર્ભમાં વહેલીતકે એફિડેવિટ દાખલ કરવામાં આવે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાવેરી નદીના પાણીની વહેંચણી માટે એક મેનેજમેન્ટ બોર્ડની રચના કરવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, નદીના પાણી ઉપર કોઇપણ રાજ્યનો માલિકી હક નથી. સુપ્રીમ કોર્ટે કાવેરી જળ વિવાદ ટ્રીબ્યૂનલના ચુકાદા મુજબ તામિલનાડુને જે પાણી મળવાનું હતું તેમાં ઘટાડો કરી દીધો હતો. બેંગ્લોરની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને કર્ણાટકને મળનાર પાણીનું પ્રમાણ વધારી દીધું હતું અને પ્રમાણમાં ૧૪.૭૫ ટીએમસી ફુટનો વધારો કર્યો હતો.