કવિ ગુલામ મોહમ્મદ શેખ અને દલપત પઢિયારને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરાશે

કુંઢેલી, તા.૨૪
આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ અને સત્વશીલ કવિને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરાય છે. ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડમાં નરસિંહ મહેતાના ધાતુની પ્રતિમાનો એવોર્ડ, રૂા.૧,૫૧,૦૦૦ની સન્માન રાશીનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૭ માટે ગુજરાતી કાવ્યક્ષેત્રે અદકેરૂ પ્રદાન કરનાર બે સર્જકોને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે. ૨૩મો નરસિંહ મહેતા એવોર્ડ કવિ ગુલામ મોહંમદ શેખ અને ૨૪મો નરસિંહ મહેતા એવોર્ડ કવિ દલપત પઢિયારને અપાશે. મુક્ત પદ્ય કાવ્ય સ્વરૂપમાં એક પોતીકો ચીલો ચાતરનાર ગુલામ મહોમ્મદ શેખના કાવ્યોમાં ચિત્રત્મકતા વિશેષ જોવા મળે છે. આગામી શરદ પૂર્ણિમાની સંધ્યાએ તા.૫ ઓક્ટોબર, ૨૦૧૭ ગુરૂવારના રોજ ગિરનારની ગોદમાં, રૂપાયતનના પ્રાકૃતિક પરિસરમાં મોરારીબાપુના હસ્તે આ બંને કવિઓનું સન્માન થશે. પ્રત્યેક કવિને રૂા.૧,૫૧,૦૦૦, ૧,૫૧,૦૦૦ની સન્માનરાશિ સાથેનો વર્ષ ૨૦૧૭નો નરસિંહ મહેતા એવોર્ડ સાક્ષરો અને વિદ્વતજનોની ઉપસ્થિતિમાં એનાયત થશે. સન્માનનિય કવિઓના સર્જનકર્મ વિશે જયદેવ શુક્લ અને હર્ષદ ત્રિવેદી વક્તવ્ય આપશે. બિહાગ જોશી અને પિયુષ દવે દ્વારા પદગાન અને કાવ્યગાન પ્રસ્તુત થશે અને રૂપાયતન બાલભવન જૂનાગઢના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ થશે. મોરારીબાપુ મંગલ ઉદ્‌બોધન કરશે. કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રસિંહ પરમાર કરશે. આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટમાં રઘુવિર ચૌધરી (અધ્યક્ષ), હરિશ્ચંદ્ર જોશી (કોષાધ્યક્ષ), લાભશંકર પુરોહિત (ટ્રસ્ટી), હર્ષદ ચંદારાણા (ટ્રસ્ટી) અને પ્રણવ પંડ્યા (ટ્રસ્ટી) તરીકે કાર્યરત છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks