અમદાવાદ, તા.૨૮
મને રૂ.૧૦ કરોડની લાલચ આપી
કોંગ્રેસના ધારાસભ્ય પૂનાભાઇ ગામીતે ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, સરકારના માણસો અમારા પર નજર રાખી રહ્યા હતા. અમે ગાડી લઇ ડિઝલ પૂરાવવા ગયા ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી એન.કે.અમીન અમને મળવા આવ્યા હતા અને વાત કરી મને ભાજપમાં જોડાવવા ઓફર કરી હતી અને રૂ.૧૦ કરોડની લાલચ આપી હતી. હું આનંદભાઇ ચૌધરીની ગાડીમાં ભાગીને અમદાવાદ આવી ગયો હતો. એન.કે.અમીને અમિત શાહ સાથે વાત કરાવવા પણ કહ્યું હતું. ગામીતે તેમના રાજયસભાના ઉમેદવાર અહમદભાઇ પટેલને કોઇપણ સંજોગોમાં જીતાડવાની નેમ વ્યકત કરી હતી.
બાપુએ કહ્યું, ગભરાવાની જરૂર નથી, બધુ ગોઠવાઇ જશે
ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે આક્ષેપ કર્યા હતા કે, ખુમાનસિંહ વાસીયાએ ફોન કરી મને બોલાવ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ બોલાવ્યો હોવાની મને વાત કરી હતી. બાપુએ કહ્યું હતું કે, ગભરાવાની જરૂર નથી, બધુ ગોઠવાઇ જશે. મને ભાજપની ટિકિટ આપવાની ઓફર થઇ હતી. જો કે, મેં કહ્યું હતું કે, જે પાર્ટીએ આદિવાસીઓની ઘોર ખોદી હોય તે પાર્ટીમાં હું ના જોડાઉ. આ વખતે મને રૂ.પાંચ કરોડની ઓફર કરાઇ હતી. મેં અમારા નેતા અહમદ પટેલને જીતાડવા ભાજપની ઓફર ઠુકરાવી.
મને ખરીદવાની તાકાત ભાજપમાં નથી
કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ૧૫ આદિવાસી ધારાસભ્યો પૈકી ૧૩ જણાં અમે કોંગ્રેસની સાથે છીએ. મારી નીતિમત્તા કોંગ્રેસ સાથે છે. મને ખરીદવાની તાકાત ભાજપમાં નથી.
ભાજપે મને ટિકિટની ઓફર કરી
કોંગ્રેસના ધારાસભ્ય ઇશ્વરભાઇ પટેલે આક્ષેપ કર્યો હતો કે, અહમદ પટેલે રાજયસભાનું ફોર્મ ભર્યા બાદ મને ભાજપના નેતાનો ફોન આવ્યો હતો. મને ભાજપમાં જોડાવાની અને ચૂંટણીમાં ટિકિટ આપવાની ઓફર કરાઇ હતી. કોંગ્રેસે અમે નીચા વર્ગના હોવાછતાં અમને ટિકિટ આપી. પાર્ટી સાથે કોઇપણ સંજોગોમાં ગદ્દારી નહી કરીએ.