(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૭
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નો, મગફળીકાંડ, જમીન માપણીમાં ગેરરીતિ, બેરોજગારી, શિક્ષણનું ખાનગીકરણ, વ્યાપારીકરણ આરોગ્ય સેવાની કથળેલી હાલત સહિતના અનેક મુદ્દે રાજયપાલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના પ્રતિનિધિ મંડળે રાજયપાલ ઓ.પી. કોહલીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતમાં કૃષિ મેળામાં સરકારની તિજોરીમાંથી કરોડોના ખર્ચાઓ કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે. ખેડૂતોના આત્મહત્યાના બનાવો સતત બનતા રહે છે રાજયના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતોને પુરતો પાક વીમો મળતો નથી. ખેડૂતોના ઉભા પાકને રોઝ-ભૂંડ જેવા જંગલી જાનવરો નુકસાન ન પહોંચાડે તે માટે તારની વાડ બનાવવા પુરતી સહાય આપવામાં આવતી નથી. ખેડૂતો આધુનિક રીતે ખેતી કરી શકે તે માટે ટ્રેકટર સબસીડી પણ સમયસર ચુકવાતી નથી. ખેતી માટે વીજ કનેકશનો વર્ષો સુધી આપવામાં આવતા નથી. રાજયમાં ખેડૂતોને ગુણવતાયુકત બિયારણ અને દવા સસ્તા ભાવે મળતા નથી. ખેડૂતોની કિંમતી ખેતી લાયક જમીનો ઝૂંટવી લેવા માટે જમીન સંપાદન કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ખેડૂતોને સસ્તા વ્યાજદરે લોન આપવામાં આવતી નથી. રાજયના ખેડૂતોના દેવા માફ કરવામાં આવતા નથી. ત્યારે રાજયમાં ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ગત સામાન્ય ચૂંટણી પૂર્વે રાજકીય રોટલા શેકવા માટે સત્તાધારી પક્ષ દ્વારા રાજયની તિજોરીમાંથી રૂા.૪૦૦૦ કરોડની લૂંટ ચલાવી હતી. આ ઘટના ઉચ્ચ ન્યાયપાલિકાના સીટિંગ જજના નેતૃત્વ હેઠળ વિધાનસભાની સર્વપક્ષીય સંયુકત સમિતિ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાવવા માટે આપની કક્ષાએથી યોગ્ય આદેશો થવા માટે વિનંતી કરવામાં આવી હતી.
સેટેલાઈટ જમીન માપણીમાં રાજયવ્યાપી વિસંગતતા હોવાથી અભણ અને અજ્ઞાન ખેડૂતોના હિત ન જોખમાય તે માટે સમગ્ર પ્રક્રિયાને રદ કરવામાં આવે તેમજ આ અંગે કરેલ ખર્ચ સંબંધિત એજન્સીઓ પાસેથી વસુલ કરી કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માગ કરી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ કર્યા વિના કોંગ્રેસ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી. કે આંદોલન કરવા અને ઉપવાસ કરવા એ લોકશાહીમાં સૌનો અધિકાર છે. પરંતુ તેને મંજૂરી નહીં આપીને યેનકેન પ્રકારે તેને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આથી જે લોકો આંદોલનો કરવા મંજૂરી માગે છે તેવા લોકોના અવાજ સરકાર દબાવી રહી છે.