માંગરોળ મદ્રેસામાં દીની તાલીમ લેતા કિશોરની શીલની કેનાલમાંથી લાશ મળી

માંગરોળ,તા.૧૧
માંગરોળના શીલ ગામનીની કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં કેશોદના મુસ્લિમ કિશોરની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મુળ ચાખવાના અને હાલ કેશોદમાં રહેતા બેલીમ અનીસખાન આલમખાન (ઉ.વ.૧૭) માંગરોળના મદ્રેસામા અભ્યાસ કરતો હતો. ગુરૂવારથી લાપતા થતા તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજરોજ શીલની કેનાલમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ બનાવની વિગત એવી છે કે, માંગરોળ તાલુકાના મુળ ચાખવા ગામના વતની અને વર્ષોથી કેશોદ સ્થાયી થયેલા અલામખાન બેલીમનો મોટો પૂત્ર બેલીમ અનીસખાન આલમખાન (ઉ.વ.૧૭) છેલ્લા ૬ વર્ષથી માંગરોળના મદ્રેસા દારૂલ ઉલુમ હસનિયાહમા આલીમ કલાસમાં અભ્યાસ કરી રહ્યો હતો. સાથેજ તેનો નાનો ભાઈ આકીબખાન પણ મદ્રેસામા અભ્યાસ કરી રહ્યો છે. શુક્રવારે મદ્રેસામા રજાનો દીવસ હોઈ જનરલી વિદ્યાર્થીઓ મદ્રેસા બહાર જતા હોય છે. એટલે અનીસખાન ગુરવારે છૂટ્ટી બાદ સાંજના ૬ વાગ્યે તેના નાના ભાઈ આકીબખાનને જાણ કરી મદ્રેસામાથી બહાર નીકળી શહેર તરફ ગયો હતો. જ્યારે નાનો ભાઈ આકીબખાન મદ્રેસામા રોકાયો હતો. પરંતુ રાત્રિના ૯ વાગ્યા સુધી અનિસખાન મદ્રેસામા પરત ન ફરતા તે વિશે આકીબખાને સંચાલકોને જાણ કરી હતી. સંચાલકોએ તેના પિતાનો સંપર્ક કરતા રાત્રિના ૧૦ વાગ્યા સુધી અનિસખાન કેશોદ તેમના ઘરે પણ પહોંચ્યો નહતો. જેથી પરિવારજનોની ચિંતા વધી ગઈ હતી. તે દરમિયાન મદ્રેસાના સંચાલકો અને તેમના પરિવારજનોએ અનીસખાનની શોધખોળ ચાલુ કરી હતી. પરંતુ ક્યાંય પતો લાગ્યો નહોતો. શોધખોળ દરમિયાન આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ માંગરોળથી ૧૦ કિ.મી. દુર શીલની કેનાલમાંથી અનિસખાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી હતી.
શીલના પોરબંદર માંગરોળ હાઈવે પરની પૂરૂષાર્થ હોટલની સામે કેનાલમાં યુવકની લાશ પાણીમાં તરતી હોવાનું જાણ થતાં શીલ પોલીસ ઘટના સ્થળે દોડી હતી. ડેડ બોડી બહાર કાઢી તપાસ હાથ ધરતા તેના ખીસ્સામાથી નાની છરી મળી હતી. યુવકનું મોત કેવી રીતે થયું તેનો તાગ મેળવવા શીલ પોલીસે ડેડ બોડીને શીલના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે મોકલી આપી હતી. પરંતુ ડેડ બોડી ખુબજ ફુલી ગયેલી હોવાથી પીએમ માટે જામનગર મોકલી આપવામાં આવી છે. ફોરેન્સિક રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે.
શીલ પોલીસ શું કહે છે ?
શીલ પોલીસના પીએસઆઇ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમિક તબક્કે મોતનું સાચું કારણ સામે આવ્યું નથી. ડેડ બોડીની તપાસ કરતા તેના ખીસ્સામાથી નાની છરી મળી આવી છે પરંતુ તેમના શરીર પર ક્યાંય પણ કોઈ ઘાવ કે નિશાન જોવા મળ્યા નથી. મોતનું સાચું કારણ જાણવા ડેડ બોડીને ફોરેન્સિક રિપોર્ટ માટે જામનગર મોકલી આપી છે.
મદ્રેસાના સંચાલક શું કહે છે ?
મદ્રેસાના સંચાલક મૌલાના ઈકબાલ બેરાએ જણાવ્યું હતું કે, શુક્રવારે રજાના કારણે જનરલી મદ્રેસાના છોકરાઓ ગુરૂવાર સાંજથી મદ્રેસા બહાર જતા હોય છે. એકંદરે અનિસખાન શાંત સ્વભાવનો અને સરળ સિધો અને હોશિયાર છોકરો હતો. આ ઘટના કલ્પના બહારની છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks