National

સુપ્રીમ કોર્ટે ફરિયાદ અધિકારીની નિમણૂક ન કરવા બદલ વોટ્‌સએપ અને કેન્દ્રને નોટિસ ફટકારી

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
સોમવારે સુપ્રીમ કોર્ટે વોટ્‌સએપ સાથે જોડાયેલી ફરિયાદો તરફ ધ્યાન આપવા માટે હજુ સુધી કોઈ ફરિયાદ અધિકારીની નિમણૂક કેમ નથી કરાઈ તે અંગે કેન્દ્ર સરકાર અને વોટ્‌સએપની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે વોટ્‌સએપ, આઈટી અને નાણામંત્રાલય પાસે ચાર સપ્તાહની અંદર જવાબ માંગ્યો છે.
આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્‌સએપને એક ફરિયાદ અધિકારીની નિમણૂક કરવા માટે કહ્યું હતું, પરંતુ હજુ સુધી કંપની તરફથી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કેસ અંગે આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્‌સએપના પ્રમુખ ક્રિસ ડેનિયલ્સ સાથે ર૧ ઓગસ્ટના રોજ મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, વોટ્‌સએપ પર મોબ લિંચિંગ અને ફેક ન્યુઝને અટકાવવાની ખૂબ જ જરૂર છે. એવામાં કંપનીએ આ ચીજો પર લગામ કસવા માટે સમાધાન શોધવું પડશે. જો કે, ત્યારબાદ લગભગ એક અઠવાડિયું વીતી ગયું છતાંય વોટ્‌સએપ તરફથી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આઈટી મંત્રાલય, નાણામંત્રાલય અને વોટ્‌સએપને નોટિસ મોકલીને આ અંગે જવાબ માગ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં થઈ રહેલી મોબ લિંચિંગની ઘટનાઓમાં વોટ્‌સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓને કારણે જ દેશના જુદા-જુદા ભાગોમાં થયેલી મોબલિંચિંગની ઘટનાઓમાં ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ જ કારણ છે કે, સરકાર સોશિયલ મીડિયા પર કડકાઈ વર્તવાના મૂડમાં છે.