(એજન્સી) તા.૧૯
કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે તે અમેરિકન પ્રશાસન સાથે ભારતીયોના વિઝાને લઇને સંપર્કમાં છે અને એચ-૧બી વિઝા પર અમેરિકન સરકારને વાતચીત કરવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે બંને દેશોના સંયુક્ત હિતોને ધ્યાનમાં લઇને અમેરિકન સત્તાવાળાઓ સાથે વાત કરવામાં આવી છે. રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી કે સિંહે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સ્કિલ્ડ પ્રોફેશનલ્સ અમેરિકન અર્થતંત્રને પણ ફાયદો પહોંચાડે છે અને ઇનોવેશનમાં પણ મદદ કરે છે. વી કે સિંહે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર અમેરિકન પ્રશાસન અને કોંગ્રેસ સાથે તમામ મુદ્દાઓને લઇને સંપર્કમાં છે અને એચ-૧બી વિઝાને લઇને વાતચીત ચાલી રહી છે. વી.કે. સિંહે જણાવ્યું છે કે અમેરિકન કોંગ્રેસે એચ-૧બી વિઝા સાથે સંકળાયેલ સાત બિલ સંસદમાં રજૂ કર્યા હતા પરંતુ તેમાંથી એક પણ બિલ પાસ થઇ શક્યું નથી. તેમણે જણાવ્યું હતું કે ૧૮ એપ્રિલે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બાય અમેરિકન હાયર અમેરિકનનો આદેશ કર્યો હતો પરંતુ એચ-૧બી વિઝા સંબંધીત બદલાવ માટે બીજા પક્ષની પણ જરુર હોય છે અને આ પ્રક્રિયા હજુ ચાલી રહી છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ પર પ્રતિબંધ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં વી કે સિંહે જણાવ્યું હતું કે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ અનુસાર મે, ૨૦૧૮માં ૩૦૬૬૦૧ ગ્રીનકાર્ડ પેન્ડિંગ હતા. આ અંગે કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી. ગ્રીનકાર્ડ ઇસ્યૂ કરવાની બાબતમાં અમેરિકાએ કોઇ મોટો ફેરફાર કર્યો નથી.