(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને સમયસર જવાબ રજૂ નહીં કરવા બદલ ઠપકો આપતાં કહ્યું કે અમે આવતીકાલે જ ઈપીકોની કલમ ૩૭૭ને પડકારતી અરજીઓની સુનાવણી હાથ ધરીશું. આ પહેલાં ઈપીકોની કલમ ૩૭૭ સંદર્ભે રજૂ થયેલ અરજીઓ સામે જવાબ રજૂ કરવા સુપ્રીમકોર્ટે કેન્દ્રને સમય આપ્યો હતો પણ કેન્દ્ર સરકાર જવાબ રજૂ કરી શકી નહીં અને વધુ સમયની આજે માગણી કરી હતી. ઈપીકોની કલમ ૩૭૭ સજાતીય સંબંધો સંદર્ભે છે. ભારતમાં સજાતીય સંબંધો ગુનો ગણવામાં આવે છે જેના માટે ૧૦ વર્ષથી જન્મટીપ સુધી સજાની જોગવાઈ છે. ઘણી એનજીઓએ અને વ્યક્તિગત લોકોએ કલમ ૩૭૭ની પુનઃ સમીક્ષા કરી રદ કરવા માગણી કરી છે અને એ ઉપરાંત લેસ્બિયન, ગે અને ટ્રાન્સજેન્ડરના અધિકારો માટે પણ માગણી કરતી અરજીઓ કરાઈ છે. જે બધી અરજીઓની સુનાવણી સુપ્રીમકોર્ટે ૧૦મી જુલાઈએ નિર્ધારિત કરી હતી. સુપ્રીમકોર્ટે કેન્દ્રને કહ્યું કે તમારે જે રજૂઆતો કરવી હોય એ આવતીકાલે કરજો અમે અરજીઓ સાંભળીશું. આ પહેલાંના ર૦૦૯ના વર્ષમાં દિલ્હી હાઈકોર્ટે કલમ ૩૭૭ને રદ કરી હતી અને સજાતીય સંબંધોને ગુનો નહીં ગણવા આદેશ કર્યો હતો પણ સુપ્રીમકોર્ટે આ ચુકાદો રદ કરી કલમ ૩૭૭ની પુનઃ સ્થાપના કરી અને આ હેઠળના ગુનાને સજાપાત્ર જાહેર કર્યો. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે અપ્રાકૃતિક જાતીય સંબંધો સહમતિથી અથવા વિના સહમતિએ બંધાયા હોય તો એ ગુનો છે.