(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૧
સુપ્રીમકોર્ટે પર્યાવરણ સુરક્ષા માટેનું રૂપિયા ૭૭,૦૦૦ કરોડથી વધુનું જંગી ફંડ્સ દબાવી રાખવા બદલ કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે અને આ નાણાં ક્યાં ખર્ચ કરવામાં આવશે ? એ બાબત દેશ માટે તેને જાણ કરવાનો કેન્દ્રને આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિઓ મદન બી. લોકુર અને દીપક ગુપ્તાની બનેલી બેંચે જણાવ્યું કે જો આ ફંડ્સ યોગ્ય રીતે વાપરવામાં આવ્યા હોત તો દિલ્હીને વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હોત. સુપ્રીમકોર્ટે ગંગા અને યમુના નદીઓની પરિસ્થિતિનો મુદ્દો પણ ઉઠાવ્યો અને જણાવ્યું કે સત્તાવાળાઓ દ્વારા યોજનાઓનો યોગ્યથી અમલ કરવામાં આવ્યો નથી. બેંચે કેન્દ્રને જણાવ્યું કે આપણે ૯૧,૦૦૦ કરોડ રૂપિયા વિશે વાત કરી રહ્યા છીએ. એવું લાગે છે કે માત્ર ૧૪,૦૦૦ કરોડ રૂપિયા જ ખર્ચાયા છે. અમને ખબર નથી કે આ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ક્યાં ગયા. કદાચ ભંડોળ સારા હેતુઓ માટે ખર્ચાયા હશે પરંતુ હવે ૭૭,૦૦૦ કરોડ રૂપિયા બચેલા છે. તમે આ નાણા દબાવી રાખ્યા છે.
બેંચે જણાવ્યું કે આ નાણા દેશના પર્યાવરણ માટે છે અને લોકોના લાભ માટે છે. બેંચે કેન્દ્રને પૂછ્યું કે આ નાણાનું તમે શું કરી રહ્યા છો, અને શા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી ? કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરનાર અધિક સોલિસીટર જનરલ એએનએસ નાદકરનીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામાનો ઉલ્લેખ કર્યા બાદ બેંચે આ ટિપ્પણી કરી હતી. સરકારના સોગંદનામામાં જણાવવામાં આવ્યું હતું કે પર્યવારણની સુરક્ષા માટે સુપ્રીમકોર્ટના આદેશ પર બનાવવામાં આવેલા વિભિન્ન ફંડ્સ હેઠળ ૯૧,૦૦૦ કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે. નાદકરણીએ જણાવ્યું કે ૯૧,૦૦૦ કરોડ રૂપિયામાંથી રાજ્યો દ્વારા અત્યાર સુધી ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે અને બાકીના નાણા રાજ્યો પાસે પડેલા છે અને પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય પાસે નથી. બેંચે કહ્યું કે અમને બતાવો કે દેશ માટે તમે આ નાણા કેવી રીતે ખર્ચ કરવાના છો, આ ફંડ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તે સુનિશ્ચિત કરવાની કેન્દ્રની જવાબદારી છે. બેંચે આ મુદ્દા અંગે રાજ્યોને પત્ર પાઠવવાનું કેન્દ્રને કહ્યું છે. બેંચે જણાવ્યું કે અમને આશા છે કે રાજ્યોના મુખ્ય સચિવો એક સપ્તાહ કે વધુમાં વધુ ૧૦ દિવસમાં કેન્દ્ર સરકારના પત્રનો જવાબ આપશે.