કેન્દ્રીય ચૂંટણી પંચની ર૪મીએ વીડિયો કોન્ફરન્સ : ચૂંટણી જાહેરાતની શક્યતા

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત મુદ્દે પણ દેશભરમાં વિવાદ ઊભો થયા બાદ હવે દિવાળી પછી તે અંગેની જાહેરાત કરવા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તા.ર૪મીએ બેઠક બોલાવી છે અને ચૂંટણી તૈયારી અંગે રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિગતો મેળવી તે બાદ ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. ગુજરાતમાં દિવાળીનો માહોલ જામ્યો છે. આવતીકાલે દિવાળીનો દિવસ છે. દિવાળીના તહેવારો પતી ગયા બાદ તા.ર૪મી સવારે ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારી એ.કે. જોતિ તમામ જિલ્લા કલેકટરો સાથે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ કરશે. આ અંગે ગુજરાત ચૂંટણી કમિશનર દ્વારા તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓને ઈ-મેઈલ કરી જાણ કરવામાં આવી છે. નિર્ધારિત ફોર્મેટમાં તૈયારી પૂર્ણ કરીને સજ્જ રહેવા તંત્રને આદેશ આપી દેવામાં આવ્યા છે. આમ દિવાળી બાદ તુર્ત જ તંત્ર ઈલેકશન મોડ પર આવી જશે. સંભવતઃ તા.ર૪મીએ સાંજે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આજે દિવાળી પૂર્વેનો સરકારી કામકાજનો અંતિમ દિવસ છે. છેલ્લા કેટલાક દિવસોથી અધિકારીઓને સોંપવામાં આવેલા કામો ક્લિયર કરવામાં બધા કામે લાગી ગયા છે. છેલ્લા બે દિવસથી કામ પૂર્ણ કરવામાં પણ દોડધામનો માહોલ સર્જાયો છે. સરકારી કચેરીઓમાં ક્લિયર થયા બાદ બાકીની રહી ગયેલી ફાઈલો હવે ચૂંટણી પતે પછી જ ક્લિયર થશે. આમ દિવાળી બાદ તુર્તજ તંત્ર સીધી જ ઈલેકશન મોડ પર આવી જશે અને તા.ર૪મીએ સાંજે ચૂંટણી જાહેર થઈ જાય તો આદર્શ આચારસંહિતા સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. બે તબક્કામાં યોજાનાર મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. એ સાથે રાજ્યની ૧૮ર વિધાનસભાની બેઠક માટેની કવાયત ભાજપ-કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા પણ શરૂ કરી દેવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના ગુજરાતના છેલ્લા કાર્યક્રમ પછી ચૂંટણી જાહેરાતની બહાર આવેલી વિગતો જોતા તા.રર-ર૩મીએ વડાપ્રધાનની મુલાકાત પૂર્ણ થયા બાદ તા.ર૪ કે રપમીએ ચૂંટણી જાહેરાત લગભગ નક્કી જ હોવાનું જાણવા મળેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks