(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
કેરળ લવ જિહાદમાં નવો વળાંક આવ્યો છે અને મુસ્લિમ શખ્સ સાથે લગ્ન કરનારી યુવતીએ કેમેરા સામે પોતાનું દર્દ છલકાવ્યું છે. યુવતીએ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, તેને ઇસ્લામ કબૂલ કરવામાં કોઇ વાંધો નથી. અહેવાલ અનુસાર તેણે મુસ્લિમ તરીકે જ મોતની ઇચ્છા વ્યક્ત કરી છે. યુવતીએ જણાવ્યું હતું કે, કેવી રીતે આ મામલો કોર્ટ દ્વારા ચર્ચામાં આવ્યા બાદ તેની જિંદગી દોજખ બની ગઇ છે. તે પોતાના હાલના પરિવાર સાથે ખુશ છે પરંતુ ઘરમાંથી બહાર નીકળી શકતી નથી. હું કોઇ જગ્યાએ જઇ શકતી નથી કેમ કે, દરેક જગ્યાએ તેને સવાલોનો સામનો કરવો પડે છે.
યુવતી અને તેના પરિવાર સાથે વાતચીત કરવા પહોંચેલા સામાજિક કાર્યકર રાહુલ ઇશ્વરે તેનો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં યુવતી અખિલા હાદિયા અને તેની માતા દેખાઇ રહી છે. રાહુલે કહ્યંુ કે તે યુવતીને મળ્યો અને જાણ્યું કે, આખરે વાત શું છે. હાલ તે પતિને છોડી પરિવાર સાથે રહે છે. સમગ્ર ઘટનાક્રમથી દુઃખી દેખાતી હાદિયાએ જણાવ્યું હતું કે, શું મને આ હાલતમાં રાખવી પૂરતું નથી ? શું મારે સમગ્ર જીવન આ રીતે જ જીવવું પડશે ? વાસ્તવમાં હાદિયાના લગ્ન કરવા અને ઇસ્લામ કબૂલ કર્યા બાદથી જ તે અને તેનો પતિ વિરોધીઓના નિશાના પર છે. એવું કહેવામાં આવે છે કે, આશરે ત્રણ મહિનાથી તે પોતાના ઘરમાં કેદ છે. એટલું જ નહીં હાદિયાનો પરિવાર પણ શરમ અનુભવવાને કારણે કામ પૂરતું જ બહાર નીકળે છે. એવો આરોપ છે કે, યુવતીને લલચાવી-ફોસલાવી તેની સાથે લગ્ન કરાયા છે અને આ કારણે જ મદ્રાસ હાઇકોર્ટે તેના લગ્ન રદ કરી દીધા છે. કોર્ટના નિર્ણય વિરૂદ્ધ બંનેએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે જે બાદ કોર્ટે આ મામલો એનઆઇએને સોંપી દીધો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોના આધારે એનઆઇએ હવે આ મામલે ગંભીરતાથી તપાસ કરશે. આ તપાસ રિટાયર્ડ જજ આરવી રવિન્દ્રનની દેખરેખમાં થશે. આ પહેલા કોર્ટે કેરળ પોલીસને આદેશ આપ્યો હતો કે, તે આ કેસ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ એનઆઇએને સોંપે.