કેરળમાં ક્રિશ્ચિયન યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીના પડખે એમનું કુટુંબ

(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.ર૯
કેરળમાં હદિયાના આંતરજ્ઞાતિય લગ્નનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અન્ય એક આંતરજ્ઞાતિય લગ્નની ઘટના સામે આવી છે. આ વખતે મુસ્લિમ યુવતીએ ક્રિશ્ચિયન યુવક સાથે મલાપુરમમાં ગયા અઠવાડિયે લગ્ન કર્યા હતા. જો કે, આ વિવાદ જુદા પ્રકારનો છે. આ લગ્નની ગોઠવણ બન્નેના કુટુંબીજનોએ રાજીખુશીથી અને આશીર્વાદ આપી કરી છે. એ ઉપરાંત ધર્મ પરિવર્તનનો પણ કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી. પણ વિવાદનો કારણ છોકરીના ગામની મહલ કમિટી બની છે. એમણે ફરમાન કર્યું છે કે, લગ્ન અને રિસેપ્શનનો બહિષ્કાર કરવામાં આવે. મહલ કમિટીએ આદેશ કર્યો છે કે છોકરીના પરિવારનું સામાજિક બહિષ્કાર કરવામાં આવે. કોંદિપરમ્બા મહલના લોકોએ મહલ કમિટીના આદેશનું પાલન કરી લગ્નથી દૂર રહ્યા હતા. છોકરીની માતા નઝમાએ કહ્યું કે આ અમારો સામાજિક બહિષ્કાર છે. મહલ કમિટી પોતાની શક્તિ બતાવવા માંગે છે. પણ અમે એમના આદેશનું પાલન કરીશું નહીં. અમને સમર્થન આપનારા ઘણા બધા છે. મહલ કમિટીએ કહ્યું કે અમારા પગલાંને સામાજિક બહિષ્કાર કહેવું યોગ્ય નથી. અમને અમુક સત્તાઓ છે. અમે આ લગ્ન બાબત છોકરીના પિતાને રજૂઆત કરી ખુલાસો કરવા કહ્યું હતું પણ એ આવ્યા ન હતા જેથી અમે ફરમાન જારી કર્યો. છોકરીના માતા-પિતાએ જણાવ્યું કે, યુવક-યુવતી બન્ને ભણેલ છે અને દુબઈમાં નોકરી કરે છે. જો અમે એને અટકાવીશું તો પણ એ લગ્ન કરશે જેથી અમે રાજીખુશીથી લગ્ન કરાવવા નિર્ણય કર્યો હતો. આ લગ્ન બાબતે અન્ય એક વાત પણ બહાર આવી છે જે રાજકારણ સાથે જોડાયેલ છે. કોંદિપરમ્બા કીઝહત્તૂર પંચાયતમાં આવેલ છે. અહીં મુસ્લિમ લીગનો પ્રભુત્વ છે. સ્થાનિક રાજકીય દુશ્મની અહીં દેખાઈ રહી છે. મુસ્લિમ લીગના નેતાઓએ મહલ કમિટીને પગલાં લેવા દબાણો કર્યા હતા. છોકરીની માતા નઝમાક પણ રાજકીય નેતા છે. જે સીપીઆઈ સાથે જોડાયેલ છે અને ૧૯૯પથી ર૦૧પ સુધી ત્રણ વખત ગ્રામપંચાયતમાં ચૂંટણી જીતી છે. નઝમાએ કહ્યું કે ચૂંટણી પ્રચારમાં મુસ્લિમ લીગના નેતાઓ આ મુદ્દાને ઉછાળશે કારણ કે હું મુસ્લિમ છું અને સીપીઆઈ સાથે જોડાયેલ છું. એ નેતાઓ પ્રચાર કરશે કે સીપીઆઈવાળા ઈસ્લામિક ધર્મનો અનુસરણ કરતાં નથી. કમિટીએ અમારો બહિષ્કાર રાજકારણને ધ્યાનમાં રાખી કર્યું છે. દરમિયાનમાં મહલ કમિટીએ નરમ વલણ દાખવતા કહ્યું છે કે, જો છોકરીના પિતા અમારી પાસે માફી માંગે તો અમે પોતાનો નિર્ણય રદ કરીએ. આ નાનો મુદ્દો હતો પણ મીડિયાએ ઉછાળ્યો છે. નઝમાએ કહ્યું માફી માંગવાનો પ્રશ્ન જ નથી. કમિટીએ ખોટું નિર્ણય કર્યું હતું જે એમને સુધારવો જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks