(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
કેરળમાં એક મુસ્લિમ શખ્સના નિકાહને લવ જેહાદ ગણીને કેરળ હાઈકોર્ટે રદ્દ જાહેર કર્યા હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. પોતાના નિકાહ રદ્દ થયા બાદ મુસ્લિમ શખ્સે સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ અપીલ કરી હતી. આ મામલે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે એઆઈએની તપાસના આદેશ આપ્યા હતા. એનઆઈએની તપાસ સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ આર.વી.રવિન્દ્રનના નિરીક્ષણમાં કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એનઆઈએ તપાસનો અહેવાલ સોંપવા માટે નિર્દેશ આપ્યા છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જે.એસ.ખેહરની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે તેઓ એનઆઈએના તપાસ રિપોર્ટ, કેરળ પોલીસની માહિતી અને મહિલા સાથે વાતચીત બાદ પોતાનો ચુકાદો આપશે. આ પહેલા ૧૦ ઓગસ્ટે કેરળ પોલીસે આદેશ આપ્યો હતો કે તેઓ આ મામલાની પાસ સાથે જોડાયેલી વિગતો એનઆઈએને આપે. સુપ્રીમ કોર્ટે તપાસના આદેશ આપતા આખરી ચુકાદા પહેલા કોર્ટમાં મહિલાને રજૂ કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે મહિલાના પિતાનો આરોપ હતો કે તેમની પુત્રીના નિકાહ ધર્માંતરણ અને ઈસ્લામિક કટ્ટરવાદના ઉદ્દેશ્ય સાથે કરાવવામાં આવ્યા હતા. તેમણે તેમની પુત્રીના મુસ્લિમ શખ્સ સાથેના નિકાહને લવ જેહાદનો મામલો ગણાવ્યો હતો.