માંગરોળ, તા. ર૯
વિશ્વમાં પ્રખ્યાત બનેલી કેસર કેરીની માતૃભૂમિ સૌરાષ્ટ્ર ના માંગરોળ ની ઘરતી ગણાય છે. માંગરોળ મા આજે પણ આંબડી ના નામથી પ્રખ્યાત ગણાતી કેસર કેરીનો ઈતિહાસ પણ તેના સ્વાદ જેવો અનેરી છે.
૧૮૫૦ના દાયકાથી કેસર કેરીનું વાવેતર અને વિકાસ સોરઠમાં થયો છે. ૧૭ ઓગષ્ટ ૨૦૦૯ના રોજ કેસર કેરીના જિઓગ્રોફીકલ ઇન્ડિકેશનના રજીસ્ટ્રેશન માટે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ એક અરજી કરી હતી. એ અરજીમાં કેસરના ઇતિહાસ વિશે રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, “૧૮૫૧થી ૧૮૮૨ સુધી જૂનાગઢમાં નવાબ મહોબ્બત ખાન-બીજાનું શાસન હતું.
એ વખતે માંગરોળ વિસ્તારમાં સાલેભાઈ નામના એક ખેડૂતે પોતાના બગીચામાં મોટા કદની કેરીઓ જોઈ. આ કેરીઓ રાબેતા મુજબની કેરી કરતાં કાંઈક અલગ પ્રકારની હતી. આ વિશિષ્ટ કેરી પાકીને ઝાડ પરથી નીચે પડી ત્યારે સાલેભાઈએ તેનો સ્વાદ ચાખ્યો. સાલેભાઈને એ કેરીનો સ્વાદ અન્ય કેરીના સ્વાદ કરતાં અલગ અને વધારે સારો લાગ્યો. તેમણે એ કેરી નવાબ મહોબ્બત ખાન બીજાને ભેટમાં આપી.
નવાબે તેના દરબારીઓ સાથે કેરીનો સ્વાદ માણ્યો. નવાબને તે કેરી અત્યંત મધુર, રસદાર અને રેસા વગરની અને સ્વાદ-સુગંધમાં અન્ય કેરીઓ કરતાં ચઢિયાતી લાગી. કેરીનો અનેરો સ્વાદ માણી પ્રભાવિત થયેલા જૂનાગઢના નવાબ મહોબ્બત ખાન- બીજાએ તેની ખુબ સરહાના કરી હતી. તેમજ તેની કલમો મંગાવી અને જૂનાગઢમાં રોપાવી એ કેરીને ‘સાલેભાઈની આંબડી ‘નામ આપ્યું હતું. નવાબ મહોબ્બત ખાન- બીજાના સમયમાં જ કેસર કેરીનો સ્વાદ મશહૂર થઈ ગયો હતો. એ વખતે તે ‘કેસર’ તરીકે નહીં પણ ‘સાલેભાઈની આંબડી’ તરીકે જ પ્રચલિત હતી. ૧૮૮૭થી ૧૯૦૯ દરમ્યાન જૂનાગઢના દીવાન હરપ્રસાદ ઉદયશંકર દેસાઈએ માંગરોળ અને ચોરવાડના વિસ્તારોમાં સાલેભાઈની આંબડીનું વાવેતર કર્યુ હતું.
૨૫ મે ૧૯૩૪ના રોજ જુનાગઢના નવાબ મોહમ્મદ મહોબ્બત ખાન બાબીએ કેરીના કેસરી રંગને જોઇને કહ્યું હતું “આ કેસર છે. તેમજ કેસર કેરીના જિઓગ્રોફીકલ ઇન્ડિકેશનના રજીસ્ટ્રેશન માટેની એ અરજીમાં જણાવાયું છે કે “નવાબ મહોબ્બત ખાન-ત્રીજાના ૧૯૨૦થી ૧૯૪૭ ના સમયગાળા દરમ્યાન એ.એસ.કે. આયંગર જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ હતા. તેમજ સાલેભાઈ માંગરોળના શેખ હુસેન મિયાંના મિત્ર હતા. સાલેહભાઈએ શેખ હુસેન મિયાંને કેરી આપી હતી. હુસેન મિયાંને પણ એ કેરીનો સ્વાદ ખૂબ પસંદ પડ્યો હતો. હુસેન મિયાં દ્વારા જ એ કેરીની વિગત જૂનાગઢના ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ એ. એસ. કે. આયંગર પાસે પહોંચી હતી. આયંગરસાહેબ ૨૫ કલમો નુ જૂનાગઢના તળેટી વિસ્તારમાં વાવેતર કર્યું હતું. તેમણે ‘સાલેભાઈની આંબડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કર્યો. તેના કદ, રસ, સુગંધમાં થતાં ફેરફાર નોંધ્યા. કેરીના કેસરીયાળા રંગ ને ધ્યાનમાં રાખીને તેમણે સાલેભાઈની આંબડીને ‘કેસર’ નામ આપ્યું હતું.
આયંગરસાહેબે તેમજ કાઠિયાવાડમાં વિવિધ રજવાડાઓએ પણ કેસરની જાતોનું વાવેતર કર્યું હતું.
પશ્ચિમ કેરી વિભાગ દ્વારા ૧૯૫૫માં મુંબઈ ખાતે કેરીનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જુનાગઢના બાગાયત વિભાગ તરફથી કેસર કેરી મોકલવામાં આવી હતી. જેમાં જૂનાગઢની કેસર કેરીને સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
ભારતના એ સમયના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રશિયા ગયા, ત્યારે રશિયાના વડાપ્રધાન નિકીત ખુંશ્રેવ માટે સૌરાષ્ટ્રમાંથી ખાસ કેસર કેરી મંગાવીને સાથે લઈ ગયા હતા. અને તેની સાથે જૂનાગઢની કેસર કેરીની વિદેશમાં પણ ઓળખ ઉભી થઈ હતી. ત્યારથી લઈને આજે પણ કેસર કેરીનો સ્વાદ વિદેશમાં પણ વખણાય છે.
વિશ્વવિખ્યાત બનેલી માંગરોળ ની આંબડી ઉર્ફે કેસર કેરી આજે તેની જન્મભૂમિ માગરોળ માથી લુપ્ત થવાની આરે આવીને ઊભી છે. દીવસે દીવસે ખરા થતા જતા પાણી અને નાળિયેરી ના મબલખ વાવેતર સામે માંગરોળ પંથકમાં હવે આંબાના બગીચા ઓછા થતાં જાય છે. તેમ છતાં આજે પણ માંગરોળ ની આંબડીનો ભાવ તાલાલા ની કેસર ની સરખામણીમાં ઊંચો જ રહે છે.