Ahmedabad

કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ પોતાના પંજામાં કમળ ઝાલ્યું ને ખભે કેસરિયો નાંખ્યો

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર/જામનગર,તા.૧૧
ગુજરાત કોંગ્રેસ ઉપર પનોતી બેસી હોય તેમ જણાય છે લોકસભા ચૂંટણી પહેલાં જ ભાજપ દ્વારા કોંગ્રેસના એકપછી એક કાંગરા ખરવવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા બાદ વધુ એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે. શુક્રવારે રાજીનામું આપનાર પરષોત્તમ સાબરિયા તેમજ આજે રાજીનામું આપનાર વલ્લભ ધારવિયા બંનેએ વિધિવત રીતે આખરે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આમ કોંગ્રેસમાંથી ડો.આશા પટેલ સહિત કુલ ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. તો ધારાસભ્ય ભગવાન બારડ ડિસ્ક્વોલીફાય થતાં કુલ પાંચ બેઠકોનો ફટકો પડ્યો છે.
કોંગ્રેસમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ અસંતોષના કારણે ભાજપમાં જોડાઇ રહ્યા છે. આજે ધ્રાંગધ્રાના એમએલએ પરસોત્તમ સાબરિયા ગાંધીનગર જઇને વિધિવત રીતે ભાજપમાં જોડાઇને કેસરિયો ધારણ કર્યો હતો. ધ્રાંગધ્રાના ત્યારે તેમને આવકારવા માટે આઈ.કે.જાડેજા, કે.સી. પટેલે હાજરી આપી હતી.
સવારે ધ્રાંગધ્રાના એમએલએ પરસોત્તમ સાબરિયા ગાંધીનગર પહોંચ્યા હતા, ત્યારથી તેઓ ભાજપમાં જોડાશે તેવી વાતો ચાલી રહી હતી. ત્યારબાદ તેમને બપોરે ૧૦૦૦ હજાર ટેકેદારો સાથે ભાજપમાં જોડાઇને આ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાતા જ તેમના સૂર બદલાયા હતા. તેમણે કહ્યું કે, હું સ્વૈચ્છિક રીતે રાજીનામુ આપીને બીજેપીમાં જોડાયો છું. વિકાસની ગતિને માન આપીને બીજેપીમાં જોડાયો છું. કોંગ્રેસમાં અંદરો અંદર લડાઈ ચાલી રહી છે, જેથી અમને અમારા વિકાસના કામ કરવામાં તકલીફ પડતી હતી. હું કોઈ અપેક્ષાએ બીજેપીમાં નથી જોડાયો. જીવન પુરુ થાય ત્યાં સુધી હું બીજેપીમાં રહીશ. તેમના પર લગાવવામાં આવેલા આરોપો અને કેસ વિશે વાત કરી તો તેમના સૂર બદલાઇ ગયા હતા. તેમણે કહ્યું કે, કાયદો કાયદાની રીતે કામ કરે છે.
હવે પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાતા લોકોના મનમાં એવો સવાલ થઇ રહ્યો છે કે, કમલમમાં આવવાથી સાબરિયાના ધોવાઈ જશે પાપ, તેમને કોઇ સજા નહીં થાય? આ તમામ પ્રશ્નો હાલ લોકોના મનમાં સળવળે છે. પરંતુ તેમના સાથે શું થશે તે તો આવનારો સમય જ બતાવશે.
ધ્રાંગધ્રાના પૂર્વ એમએલએ પરસોત્તમ સાબરિયા પર વિધાનસભામાં કેનાલના ભ્રષ્ટાચારના કેસમા પ્રશ્ન ન પુછવાનો આરોપ લાગેલા છે. આ ઘટનામાં તેમનો પણ હાથ હોવાની ગંધ આવી રહી હતી. કેનાલના ભ્રષ્ટાચારના કેસમાં આરોપોના કારણે પરસોત્તમ સાબરિયાની ચાલુ ધરપકડ પણ કરવામાં આવી હતી.
બીજી બાજુ આજે જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાયા હોવાનું જાણવા મળે છે.
જામનગર જિલ્લાની ૭૭ (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રથમ વખત જ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વલ્લભ ધારવિયાએ આજે ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં વિધિવત્‌ રીતે જોડાઈ ગયા છે.
વલ્લભ ધારવિયાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરતા ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ્‌’માં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હસ્તે તેમને ભાજપનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતાં. આ પ્રસંગે જામનગર જિલ્લાના ભાજપના અગ્રણીઓ, ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
છેક ગઈકાલ સુધી ભાજપમાં કોઈ કાળે નહીં જોડાવાનું ગાણું ગાતા વલ્લભ ધારવિયા પણ અંતે આજે ‘માની’ જઈ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેતાં ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે.

વિરોધનો વંટોળ : જામનગરમાં પક્ષપલટુ ધારવિયાના પૂતળાનું દહન

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું આપી ભાજપમાં એન્ટ્રી કરતા જામનગર કોંગ્રેસ દ્વારા તેનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો છે. એકબાજુ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે રાજકીય સોગઠા ગોઠવવા માટે આજે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા પણ વિધાનસભાના અધ્યક્ષને આજે રાજીનામું આપ્યું છે અને ભાજપમાં એન્ટ્રી કરી છે ત્યારે જામનગરમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયાનું પૂતળું બાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો દ્વારા વલ્લભ ધારવીયા વિરૂદ્ધ પક્ષ પલટો અને પ્રજાનો ગદ્દાર કોણ છે “વલ્લભ ધારવિયા” “વલ્લભ ધારવિયા” એવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જ્યારે જામનગર ગ્રામ્યમાં પણ વલ્લભધારવિયા વિરૂદ્ધ વિરોધ જોવા મળી રહ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.