કેશોદના અગતરાય ખાતે દારૂના કેસમાં નિર્દોષ બે મુસ્લિમ યુવાનોને સંડોવતા રોષ

(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, જૂનાગઢ, તા.૧૪
કેશોદ તાલુકાના અગતરાય ગામે પોલીસે રેડ કરી બિનવારસી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં કેશોદના બે મુસ્લિમ યુવાનોના નામ દાખલ કરી દેતાં અગતરાય ગામના ગ્રામજનો આ ઘટના સંદર્ભે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામે કેશોદ પોલીસે રેડ કરી બિનવારસી દારૂનો જથ્થો ઝડપી પાડેલ હતો. તેના આરોપી તરીકે કેશોદ અગતરાયના ફકીર સમાજના યાકુબશાહ અને તૌફીકશાહ નામના બે મુસ્લિમ યુવાનોના નામ દાખલ કરી દીધેલ. જો કે આ બંને યુવકો ટ્રક ડ્રાઈવર હોય, છેલ્લા એક અઠવાડિયાથી ઘરે હાજર પણ ન હતા. તેમાંયે એક હજુ પણ ડ્રાઈવિંગમાં રસ્તામાં હોય તેમની પાસે ટોલ પાસ અને ટોલનાકાના સીસીટીવી ફૂટેજ પણ મળી શકે તેમ છતાં બંને નિર્દોષ યુવકોના નામ ચડાવી દેતાં ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળેલ અને અગતરાય ગામના સમસ્ત ગ્રામજનો આ ઘટના સંદર્ભે આ યુવકોના પરિવાર સાથે મળીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધેલ નિર્દોષ મુસ્લિમ યુવાનોના પોલીસે નામ દાખલ કરેલ તેના પરિવારજનો પણ આત્મવિલોપનનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજના સંગઠન મંત્રી અને જૂનાગઢ જિલ્લાના યુવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહને આ ઘટનાની જાણ થતાં તેઓ પણ અગતરાય દોડી ગયેલ. પોલીસના જવાબદાર અધિકારીઓ અને અગતરાયના સરપંચ દેવાભાઇ ખાંભલાને સાથે રાખી કૂનેહપૂર્વકની મધ્યસ્થીથી મામલો થાળે પાડવા ગ્રામ પંચાયતમાં મીટિંગ કરી સમાધાનની પ્રક્રિયા કરી નિવેદનો લખી રહ્યા હતા કે, અચાનક કેશોદના ડીવાયએસપી આવેલ જેઓ આગેવાન ઈરફાન શાહ અને સરપંચ દેવાભાઈ ખાંભલાને કેશોદ પોલીસ સ્ટેશને ઉપાડી જઈ બંને પર ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરી દીધેલ. કેશોદ પોલીસે રાગદ્વેષપૂર્વક અને કિન્નાખોરીથી આ મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહની વિના વાંકે એક માત્ર તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી હતી. કેશોદ પોલીસની આવી વિચિત્ર કાર્યવાહીના પગલે સામાજિક અને રાજકીય અગ્રણીઓમાં રોષ ફાટી નીકળેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરફાન શાહ મીડિયા જગત સાથે પણ સંકળાયેલ હોવાના કારણે સામાજિક રાજકીય આગેવાનો અને પત્રકાર મિત્રો પોલીસ સ્ટેશને દોડી આવેલ. પરંતુ પોલીસે કોઈની વાત સંભાળેલ નહીં અને આ મુસ્લિમ અગ્રણી ઇરફાન શાહ અને અગતરાય ગામના સરપંચ દેવાભાઈ ખાંભલા ઉપર આઈપીસી કલમ ૧૪૩, ૧૮૬, ૩૪૨, ૫૦૪, ૫૦૬ મુજબનો ગુનો દાખલ કરી ધરપકડ કરેલ ત્યારબાદ ઈરફાન શાહે પોતે જે ગુનો કરેલ નહીં તે ગુનામાં પોલીસે ધરપકડ કરી હોવાની ફરિયાદ સાથે કેશોદ પોલીસ સ્ટેશનમાં અન્ન-જળના ત્યાગની ચીમકી ઉચ્ચારતાં કેશોદ પોલીસ મોડી રાત્રે જામીન પર છુટ્ટા કર્યા હતા. આ અંગે વંથલીના મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેઓએ ‘ગુજરાત ટુડે’ને જણાવેલ હતું કે, કેશોદ પોલીસની સૂચના અનુસાર અગતરાય ગામની ઘટનામાં મધ્યસ્થી કરવા હું ગયેલ પરંતુ પોલીસે મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના એકમાત્ર ઈરાદે કિન્નાખોરીપૂર્વક મારી સામે ફરિયાદ કરેલ છે. જે અંગે હું કેશોદ પોલીસ વિરૂદ્ધ ઉચ્ચ કક્ષાએ ન્યાયિક હિતમાં ફરિયાદ કરીશ. જો આગેવાનોની પોલીસ આ રીતે ખોટા ગુનામાં ધરપકડ કરતી રહેશે તો સમાજની આગેવાની કરશે કોણ ? તેવું જણાવેલ. ઈરફાન શાહની ધરપકડના સમાચાર સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી જતાં ઓલ ગુજરાત ફકીર સમાજના પ્રમુખ એ.બી.ફકીર, જોઈન્ટ પ્રમુખ હનીફ શાહ શાહમદાર સહિતના આગેવાનોએ ગૃહ મંત્રીને લેખિત રજૂઆત કરી આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી કેશોદ પોલીસ સામે સખત પગલાં લેવા માગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks