Site icon Gujarat Today

કેસરી જર્સીએ ભારતના વિજયના પ્રવાહનો અંત લાવ્યો’’

(એજન્સી)નવી દિલ્હી, તા. ૧
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિનું માનવું છે કે, હાલ ચાલી રહેલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે તેની જર્સીનો કલર બદલતા તેના વિજયના પ્રવાહો અંત આવ્યો છે. ભારતે વિશ્વકપમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં ખભા અને પીઠના ભાગે ઓરેન્જ કલર ધરાવતી તદ્દન અલગ રંગની જ જર્સી પહેરી હતી જે મેચમાં તેનો ૩૧ રનથી પરાજય થયો હતો. મહેબૂબા મફ્તિએ ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, મને ભલે અંધશ્રદ્ધાળુ કહો પણ હું કહેવા માગીશ કે, ૨૦૧૯ના વિશ્વકપમાં ભારતના જીતને પ્રવાહનો ઓરેન્જ જર્સીએ અંત લાવ્યો છે. ઇંગ્લેન્ડ માટે કરો યા મરોની મેચમાં ઇયોન મોર્ગનની ટીમના ખેલાડીઓએ ભારત માટે તોતિંગ ૩૩૮ રનનો લક્ષ્યાંક મુક્યો હતો અને બાદમાં ભારતને ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૦૫ રનમાં જ અટકાવ્યું હતું. મુફ્તિ પહેલાના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે ભારતના ધ્યાનમાં લેવા જેવું નહીં તેવા પ્રદર્શન સામે સવાલ કર્યો હતો જેણે ટુર્નામેન્ટમાં તેનો પ્રથમ પરાજય નક્કી કર્યો હતો. અબ્દુલ્લાહે ટિ્‌વટ કર્યું હતું કે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની જેમ જો આપણી ટીમનું સેમિફાઇનલનું સ્થાન નક્કી કરવાનું હોત તો પણ શું ભારત આ રીતે જ નિરાશાભરી બેટિંગ કરી હોત ? સાત મેચમાં ૧૧ પોઇન્ટ સાથે ભારત હાલ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારતે પોતાની બાકીની બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની એક મેચમાં જીત મેળવવી પડશે જેનાથી તે સેમિફાઇનલમાં સ્થાન બનાવી શકે.

ભારતીય ટીમના યુનિફોર્મનો રાજકીય વિવાદ વકરતા મહેબૂબા મુફ્તિએ ભગવા જર્સીના ટિ્‌વટને જોક ગણાવ્યું

ટીમ ઇન્ડિયાના યુનિફોર્મ અંગે રાજકીય વિવાદ વકરતા પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તિએ ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ દેશના પરાજય બદલ ઓરેન્જ-બ્લૂ જર્સીને જવાબદાર ગણાવનારા પોતાના ટિ્‌વટને જોક ગણાવ્યું હતું. મહેબૂબાએ ટિ્‌વટર પર જણાવ્યું હતું કે, ‘‘આવા અચાનક આપેલા નિવેદનોને જાણીજોઇને વધુ મહત્વ આપવામાં આવે છે ? આવા નિર્દોષ ટિ્‌વટ પર આકરી પ્રતિક્રિયા આવે છે પણ શા માટે તેની સામે આક્રોશ થતો નથી. ભાજપના કાઢી મુકાયેલા નેતા દ્વારા અપાયેલા ‘હિંદુઓએ મુસ્લિમ મહિલાઓનો રેપ કરવો જોઇએ’ નિવેદનને ટાંકતા મહેબૂબાએ એ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે, ભાજપના કાઢી મુકાયેલા નેતાના નિવેદન કરતા ઓરેન્જ જર્સીના ટિ્‌વટને વધુ વિરોધનો સામનો કરવો પડ્યો. મારૂં ટિ્‌વટ ભારતના પ્રદર્શન અંગે હતું જેને વધુ આકર્ષણ પ્રાપ્ત થયું પરંતુ મુસ્લિમ મહિલાઓનો ગેંગરેપ કરવાનું હિંદુઓને કહેનારા ભાજપના નેતાના ટિ્‌વટને એટલું આકર્ષણ મળ્યું ન હતું.

ભારતીય ટીમની જર્સીની ટીકા કરનારા મુફ્તિને પાગલખાને મોકલી દેવા જોઇએ : સંજય રાઉત

શિવસેનાના સાંસદ સંજય રાઉતે સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ પર એમ કહીને આકરા પ્રહાર કર્યા હતા કે, ઇંગ્લેન્ડ સામે વિશ્વકપમાં ભારતના પરાજય બદલ ક્રિટેક ટીમની જર્સી પર આરોપ મુકવા બદલ તેમને પાગલખાનામાં મોકલી દેવા જોઇએ. રાઉતે જણાવ્યું કે, લીલી જર્સી પહેરવા છતાંય શા માટેપાકિસ્તાન હારી ગયું હતું ? આવી મુંઝવણ ફેલાવવા બદલ મહેબૂબૂ મુફ્તિને પાગલખાને મોકલી દેવા જોઇએ. રવિવારે મુફ્તિએ ભારતના પરાજય બદલ તેની બદલેલી જર્સીને જવાબદાર ગણાવી હતી. તેમના નિવેદન બાદ રાજકીય વિવાદ થયો હતો. કોંગ્રેસના નેતા પ્રફુલ પટેલે કહ્યું હતું કે, ઓરેન્જ ક્રિકેટ જર્સી પર બિનજરૂરી વિવાદ ઊભો કરાય છે. ઓરેન્જ પણ આપણી સંસ્કૃતિનો ભાગ છે અને આપણા રાષ્ટ્રીય તિરંગામાનો એક રંગ છે. મને વિશ્વાસ છે કે, ભારત વિશ્વકપ લાવશે. ભાજપના પ્રવક્તા નિખિલ કોહલીએ જણાવ્યું કે, આ અભૂતપૂર્વ છે કે, સિનિયર રાજકીય નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જીત અને હારને રંગ સાથે મુલવે છે. આપણા રાષ્ટ્રીય ધ્વજના એક ભાગ ઓરેન્જ કલરને શા માટે રાજકારણમાં ઢસડવામાં આવે છે ? ભાજપના વધુ એક નેતા રામચંદ્ર રાવે મુફ્તિના નિવેદનને મુર્ખામીભર્યું અને ભાગલાવાદી સંસ્કૃતિવાળું ગણાવ્યું હતું.

Exit mobile version