(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૬
સુરત શહેરના તમામ રસ્તાઓના ખાડા રિપેર કરવા મ્યુનિ. કમિશ્નર દ્વારા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.એટલું જ નહીં જે રસ્તાઓનું રિકાર્પેટિંગ કરવાનું છે. તેનું પ્લાનિંગ અત્યારથી જ શુરૂ કરી દેવા પણ આદેશ આપ્યા છે. મનપા કમિશ્નરે મિટીંગમાં અધિકારીઓને સફાઇ તેમજ આરોગ્યલક્ષી કાળજી રાખવા માટે પણ સૂચનો કર્યા હતાં. સાથે જ શહેરભરમાં પાર્કિંગ ડ્રાઇવ ચાલુ રાખવા પણ તેમણે અધિકારીઓને આદેશ કર્યા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકાની અધાકારીઓની અઠવાડિયામાં યોજાતી મિટિંગ ગઇકાલે મળી હતી, જેમાં મ્યુનિ. કમિશ્નર થેન્નારાશને કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. ખાસ કરીને તેમણે કહ્યું હતું કે, હવે વધુ વરસાદ પડે તેમ નથી, ચોમાસુ પૂરૂ થવાના આરે છે. જેથી વરસાદને કારણે જે રસ્તાઓનું ધોવાણ થયું છે અને રસ્તા પર ખાડા પડ્યાં છે, તેનું તાકીદે રિપેરીંગ કામ હાથ ધરી દેવામાં આવી છે. સાથે જ તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, છેલ્લી ઘડીએ દોડાદોડ કરવી તેના કરતાં અત્યારથી જ જે રોડના રિપાર્પેટિંગની જરૂર હોય તેનું લિસ્ટ બનાવવામાં આવે. તેના અંદાજો મૂકાય અને અત્યારથી જ તેને માટે વપરાનારી મશીનરીની પણ તૈયારી કરી લે તેવી તાકીદ તેમણે સંલગ્ન અધિકારીઓને કરી હતી. ચોમાસા બાદ હવે મચ્છરોનો ઉપદ્રવ કે અન્ય રોગચાળાની ભીતિ પણ રહેતી હોય છે. જેથી શહેરભરમાં સફાઇની કામગીરી અસરકારક બનાવવા માટે તેમણે તાકીદ કરી હતી.