(એજન્સી) નવી દિલ્હી,તા.૨૧
અરવિંદ કેજરીવાલની આગેવાળી આમ આદમી પાર્ટી પંજાબના ધારાસભ્ય સુખપાલસિંહ ખૈરાથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નારાજ ચાલી રહ્યા છે. સૂત્રોથી મળતી જાણકારી મુજબ સુખપાલ ખૈરાના ખાલિસ્તાન સંબંધિત નિવેદનોથી આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ નારાજ થઈ ગયા છે. આ જ કારણ છે કે આજે જ્યારે સુખપાલ ખૈરા મુખ્યમંત્રી કેજરીવાલને મળવા દિલ્હી આવ્યા તો મુખ્યમંત્રીએ તેમને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં સૂત્રોથી મળેલી જાણકારી મુજબ ખબર એ પણ છે કે, દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ખાલિસ્તાન સંબંધિત નિવેદનોને લઈ સુખપાલ ખૈરાને ફટકાર લગાવી છે. જોકે ખૈરા હજી પણ એવા નિવેદનોનો ઈન્કાર કરી રહ્યા છે. નોંધનીય છે કે ગત સપ્તાહ સુખપાલ ખૈરાએ કથિત રીતે કહ્યું હતું કે, ‘ હું શીખ જનમત સંગ્રહ ૨૦૨૦ આંદોલનનું સમર્થન કરું છું, કારણ કે શીખોને પોતાના ઉપર થયેલા જુલ્મો વિરુદ્ધ ન્યાય માંગવાનો હક છે.’ જોકે તેમના નિવેદન બાદ ભાજપથી લઈને કોંગ્રેસે પણ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા અને મુખ્યમંત્રી કેજરીવાલે તેઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે સુખપાલ ખૈરા પર પ્રહારો કરતાં માંગ કરી કે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી પંજાબના ધારાસભ્યોને સસ્પેન્ડ કરે.