ખંભાત ભાજપમાં ભડકો : તાલુકા પંચાતય કારોબારી ચેરમેનનું રાજીનામું

(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૦
આણંદ જિલ્લાનાં ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સીટીંગ ધારાસભ્યની ટીકીટ કાપી નવા ચહેરાને ટીકીટ આપતા જેનાં વિરોધમાં આજે સતત બીજા દિવસે ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતી પ્રવર્તી રહી છે,અને ભાજપનાં ગઢમાં ગાબડા પડયા હોય તેમ લાગી રહ્યું છે,ભાજપ દ્વારા મયુર રાવલને આપવામાં આવેલી ટીકીટનાં વિરોધમાં આજે ખંભાત તાલુકા પંચાયતનાં કારોબારી સમિતીનાં ચેરમેનએ બાઈક રેલી કાઢી રેલી સ્વરૂપે તાલુકા પંચાયત ખાતે જઈ તાલુકા વિકાસ અધિકારીને કારોબારી કમીટીનાં ચેરમેનપદેથી પોતાનું રાજીનામું આપી દીધુ હતું.તેમજ ભાજપ પાર્ટી હવે વ્યકિતત્વવાદવાળી પાર્ટી થઈ હોવાનું કહી ભાજપનાં નેતાઓ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.
મળતી વિગતો અનુસાર ખંભાત વિધાનસભા મત વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે,અને અહીયાં છેલ્લા ૨૦ વર્ષોથી ભાજપનાં ઉમેદવાર ચુંટાતા આવે છે,ત્યારે ભાજપ દ્વારા આ વખતે સીટીંગ ધારાસભ્ય સંજય પટેલની ટીકીટ કાપીને નવા ઉમેદવાર મયુર રાવલને ટીકીટ આપવામાં આવતા ખંભાત વિધાનસભા મત ક્ષેત્રનાં કાર્યકરોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે,અને ગઈ કાલે સંજય પટેલ સહીત કાર્યકરોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હોબાળો મચાવ્યા બાદ આજે સતત બીજા દિવસે પણ ઉકળતા ચરૂ જેવી સ્થિતી પ્રવર્તી રહી છે.આજે ખંભાત તાલુકા પંચાયતનાં કારોબારી સમિતીનાં ચેરમેન કમલેસભાઈ જયંતીભાઈ પટેલએ પોતાનાં સમર્થકો સાથે કાલી તલાવડી ગામેથી બાઈક રેલી કાઢી હતી,અને રેલી સ્વરૂપે ખંભાત શહેરમાં ફરીને ભાજપની હાય હાયનાં સુત્રો પોકારીને તાલુકા પંચાયત ખાતે પહોંચી કમલેશભાઈ પટેલનાં સમર્થકોએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા,તેમજ ભાજપનાં ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાય હાય બોલાવી હતી,કલ્પેશભાઈ પટેલએ આક્રોસ વ્યકત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ જે રીતે પક્ષની વિચારધારાને ભુલીને વ્યકિતવાદમાં લાગી અને જેનાં કારણે કોંગ્રેસનો સફાયો થઈ ગયો તે જ માર્ગે ભાજપ જઈ રહી છે,અને અટલ બિહારી બાજપાઈનાં આદર્શો અને વિચારોથી ભાજપ દુર થઈને મોદીની વ્યકિતત્વવાદમાં લાગી ગઈ છે,અને જેનાં કારણે ભાજપનો સફાયો પણ હવે નક્કી છે,અને તેનાં કારણેજ તેઓ ભાજપ સાથે છેડો ફાડીને તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતની કારોબારી સમિતીનાં ચેરમેનપદેથી રાજીનામું આપી રહ્યા છે.
કમલેશભાઈ પટેલની સાથે આવેલા મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરોએ ભાજપ વિરોધી સુત્રોચ્ચાર સાથે આગામી ચુંટણીમાં ભાજપ માટે પ્રચાર નહી કરવાનાં સપથ લીધા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts