(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
વડાપ્રધાન મોદીની આગેવાનીવાળી કેન્દ્રમાં રહેલી ભાજપ સરકારે જાહેરાતો અને વિવિધ મીડિયા દ્વારા થકી પ્રચારમાં આશરે ૫૦૦૦ કરોડની મોટીમસ રકમનો ખર્ચ કર્યો હોવાનું એક આરટીઆઇમાં ખુલાસો થવા પામ્યો છે. નોઇડા ખાતેના આરટીઆઇ એક્ટિવિસ્ટ રામવીર તંવરે ૨૦૧૪થી મોદી સરકારે અંગત પ્રચાર, જાહેરાતો અને તમામ મીડિયામાં પ્રચાર માટે કરાયેલા ખર્ચ અંગેની વિગતો માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસેથી માંગી હતી. પ્રત્યુત્તરમાં મોદી સરકારે ઇલેકટ્રોનિક મીડિયા થકી જાહેરાતો પર આશરે ૨૨૦૮ કરોડ રૂપિયાનો સૌથી વધુ ધુમાડો કર્યો છે જે બાદ પ્રચાર માટે પ્રિન્ટ મીડિયા પર કરાયેલા ખર્ચનો નંબર આવે છે. રાજ્યવર્ધનસિંહ રાઠોડની અધ્યક્ષતાવાળા મંત્રાલય દ્વારા જૂન ૨૦૧૪થી ખર્ચના કરાયેલા ખુલાસામાં કહેવાયું છે કે, મોદી સરકારે ઓગસ્ટ ૨૦૧૮ સુધી જાહેરાતો અને પ્રિન્ટ મીડિયામાં પ્રચાર થકી ૨૧૩૬ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આરટીઆઇના જવાબમાં વધુમાં ખુલાસો કરાયો છે કે, એપ્રિલ ૨૦૧૪થી ઓગસ્ટ ૨૦૧૮ સુધી સરકારે જાહેરાતોના બોર્ડ અને બસોની બેન્ચો સહિત આઉટડોર પ્રમોશન્સ અને પ્રચારમાં ૬૪૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આઉટડોર પ્રમોશન્સના નામે મહેશ શર્માની અધ્યક્ષતાવાળા પ્રવાસન મંત્રાલયે છેલ્લા ચાર વર્ષમાં જાહેરાતો પાછળ મસમોટી રકમનો ખર્ચ કર્યો છે. સત્તાવાર આંકડા અનુસાર પ્રવાસન મંત્રાલયે ૨૦૧૪-૧૫માં આઉટડોર પ્રમોશન્સ પર ૧૧ કરોડ, ૨૦૧૫-૧૬માં ૧૪ કરોડ અને ૨૦૧૭-૧૮માં પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આજ રીતે ગ્રાહક બાબતોના વિભાગે એકલા જ ૨૦૧૪-૧૫ના એક જ વર્ષમાં મોદી સરકારના આઉટડોર પ્રમોશન પર ૧૪ કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે. ૨૦૧૭-૧૮ દરમિયાન વિભાગે આઉટડોર પ્રમોશન દ્વારા જાહેરાતો પર ૧૭ કરોડ રૂપિયા ફૂંકી માર્યા છે. નિશ્ચિત રીતે જ મોદી સરકારે પોતાના પાંચ વર્ષ કરતા પણ ઓછા કાર્યકાળમાં મનમોહનસિંહ સરકાર દ્વારા ૧૦ વર્ષના શાસનમાં કરાયેલા ખર્ચ કરતા બમણી રકમનો ખર્ચ કર્યો છે. યુપીએના શાસનના ૨૦૦૪-૧૪ના ૧૦ વર્ષ દરમિયાન મનમોહનસિંહ સરકારે જાહેરાતો પાછળ આશરે ૨૬૫૮ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.