ખારિયા ગામના મીનાબેન કહે છે કે, મોત અમારી નજર સામે હતું, અમારી જીવનલીલા સંકેલાઈ જશે પણ…

ડીસા, તા.૨
બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદના સમયે વહીવટીતંત્રની સજાગતા અને પ્રયાસોની વિગતો પણ આ કુદરતી સંકટમાંથી બચી ગયેલા લોકોના સ્વમુખે જાણવા મળી છે. કાંકરેજ તાલુકાના ખારીયા ગામના પટણી વાસમાં રહેતાં ગીતાબેન કમશીભાઇ પટણીએ જણાવ્યું કે ભારે વરસાદ થયો અને ક્યાં જઇને જીવ બચાવવો તેની જબરદસ્ત ચિંતામાં અમે હાંફળાં-ફાંફળાં આમથી તેમ દોડતા હતા. ત્યારે મોત અમારી નજર સામે હતું. અમને એમ હતું કે ગણતરીની મિનિટોમાં અમારી જીવનલીલા સંકેલાઇ જશે. અહીં અમને કોઇ બચાવી શકે તેમ છે જ નહીં. આટલું કહેતાં કહેતાં ગીતાબેનની આંખોમાં આંસુ ભરાઇ આવ્યા પણ આ સમયે અમને લેવા માટે મિલીટરીના જવાનો હોડી લઇને આવ્યા અને અમને બેસાડી પાણીમાંથી બહાર કાઢી બચાવ્યા. આ ઘટનાને અમે ક્યારેય ભૂલી શકીશું નહીં.
મિલિટ્રીના જવાનોએ મને અને મારા વ્હાલા પુત્રને બચાવી લીધો
ગીતાબેને જણાવ્યું હતું કે, મારો ૧૫ વર્ષનો પુત્ર ભરત બહેરો છે તે કશું સાંભળી શકતો નથી એટલે મને એમ કે મિલિટ્રીના જવાનો કેવી રીતે મદદ કરે પણ ભાઇ આ મિલિટ્રીના જવાનોએ તો જરાય મુંઝાયા વિના ઇશારાથી વાતો કરી તેને મેડીકલ સારવાર આાપી અને મને અને મારા વ્હાલા દીકરાને બચાવી લીધો. અમને જીંદગીમાં પહેલીવાર મિલિટ્રીના જવાનો સાથે મુલાકાત થઇ પરંતુ આ ભાઇઓ ખૂબ જ સારા હોય છે. તેમણે કહ્યું આપણા ઘરવાળા પણ આપણી કાળજી ન રાખે તેટલી કાળજી આ મિલિટ્રીના ભાઇઓ રાખે છે. ભગવાન તેમનું અને તેમના પરિવારનું ભલું કરે.
કલેક્ટરે નદીકાંઠાના ગામોને એલર્ટ કર્યા હતા
આ તો વાત થઇ અસરગ્રસ્તોની એક બહેનના સુખદ અનુભવની પરંતુ આ સાથે એ પણ ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા જ્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે કલેક્ટર દિલીપ રાણાની સૂચના અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી કિનારાના ગામોના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ગામેગામ માણસો મોકલીને સરપંચો તથા લોકોને સમજાવીને તથા બલ્ક એસએમએસ અને મીડિયા દ્વારા લોકોને સાવધ કરાતાં પૂરની પરિસ્થિતિ પહેલાં ૨૦,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની આવી કામગીરીથી મોટુ નુકસાન નિવારી શકાયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts