અમદાવાદ, તા.૧૪
ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં ખેડૂતોની હાલત દયનિય બનતી જાય છે. મગફળી ગુણવત્તા કાંડ, તુવેરકાંડ, બારદાનકાંડ બાદ તાજેતરમાં ખાતરમાં ઓછા વજનનું કૌભાંડ બહાર આવતા ખેડૂતોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. આથી ખેડૂતોના પ્રશ્ને ચર્ચા કરવા આજરોજ જેતપુરના પીઠડિયા ગામે ગુજરાત ખેડૂત સમા દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ખાતર કૌભાંડમાં સરકારના મંત્રીઓ, સરકારી કંપની જીએસઅફસીના એમડી તેમજ જીએટીએલના સીઈઓ કૌભાંડમાં સામેલ હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોની વિવિધ માગણીઓને લઈને તાલુકાના પીઠડિયા ગામે ગતરોજ પ્રતીક ઉપવાસ આંદોલન કર્યા બાદ આજે ખેડૂત મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં ગુજરાતભરમાંથી ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આયોજક રાજકોટ જીલ્લા એકમના પ્રમુખ ચેતન ગઢીયાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી પ્રદેશ પ્રમુખ જયેશ પટેલે આપીને જણાવેલ કે આ સરકાર ખેડૂતો માટે કૌભાંડી સરકાર હોય તેમ એક પછી એક કૌભાંડો કરતી જ જાય છે છતાંય કોઈ મોટા રાજકીય માથાઓને દોષિત જાહેર નથી કરતી ત્યારે સૌરાષ્ટ્ર એકમના પ્રમુખ ચેતન ગઢીયા દ્વારા ખેડૂતોને મગફળીના પાક વિમામાં ખૂબ મોટો અન્યાય થયો છે, પાકવિમો ખેડૂતોને ખૂબ ઓછો મળ્યો હોવાથી પૂરતા પ્રમાણમાં વિમાની રકમ ચૂકવવી અને તાલુકાના કેટલાય ગામોને વિમાથી વંચિત રાખેલ છે, ખેડૂતને ખેતીકામ લગતા ઔજાર પરથી જીએસટી દૂર કરવું તેમજ ખેડૂતોનું ખાતર ખાઈ જનારને તાત્કાલીક અસરથી જેલ ભેગા કરવા તેમજ ડૉ. સ્વામીનાથન આયોગના રિપોર્ટ મુજબ ખેત ઉત્પાદનના પૂરતા ભાવ આપવાની માંગ કરી હતી. ગુજરાત કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયા દ્વારા સરકાર પર સીધો આક્ષેપ કરેલ કે જીએસએફસીએ ખાતર કૌભાંડ કર્યું અને તપાસ પણ જીએસએફસી જ કરી અને તેઓની તપાસમાં સાવ નજીવું ખાતર ઓછું નીકળ્યું વાસ્તવમાં સરકારની જ તોલમાપ એજન્સીને ખાતરની બોરીનું વજન કરવા સાથે રાખવી પડે પરંતુ આ કૌભાંડમાં સરકારના મંત્રીઓ તેની નીચે જીએસએફસી સરકારી કંપનીના એમડી સુજીત ગુલાટી તેમજ જીએટીએલના સીઈઓ મિશ્રા કૌભાંડમાં સામેલ હોવાનો સનસનાટીભર્યેા આક્ષેપ કર્યેા હતો.