આજે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ભાવનગર અધેલાઈ ફોરલેન રોડનું ખાતમુહૂર્ત કરાશે

(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૧
ભાવનગરથી અમદાવાદ શોર્ટ રૂટને પહોળો કરવાની જરૂરિયાત અને લાંબા સમયથી થયેલી માગણીને અંતે ભાવનગરના નારી ગામથી અધેલાઈ સુધીના રસ્તાને ફોરટ્રેક કરાશે. આવતીકાલ તા.૧રને રવિવારે સવારે ૧૦ કલાકે નારી ખાતે આયોજિત કાર્યક્રમમાં દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે ૩૩ કિ.મી.ના બનનાર આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી ગડકરી, રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી વિભાવરીબેન દવે, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. હાલમાં અમદાવાદ-ભાવનગર રાજ્ય ધોરીમાર્ગના માધ્યમથી સંકળાયેલ છે જે સરખેજ, વટામણ, પીપળી, ભાવનગર જેને અમદાવાદ ભાવનગર શોર્ટ રૂટ તરીકે કહેવાય છે. ધોલેરા સ્પેશિયલ ઈવેન્ટમેન્ટ રીજિયનને (ધોલેરા સર)ને જોડવા માટે ભારતીય રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પ્રાધિકરણ અને ગ્રીનફિલ્ડ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે (રાષ્ટ્રીય રાજમાર્ગ નં.૭૫૧)ના અમલીકરણ માટે કાર્યરત છે. ભાવનગરથી અમદાવાદનું અંતર હાલમાં ૧૭૦ કિ.મી.ની જગ્યાએ હવે ૧૪ર કિ.મી. થશે. અધેલાઈથી નારી જંક્શનવાળો આ રસ્તો અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ભાવનગરની મુસાફરી સરળ બનશે અને અમદાવાદ-ભાવનગરનું અંતર ૩૦ કિ.મી. જેટલું ઘટશે. તેનાથી ભાવનગર અને અમદાવાદ વચ્ચેનું જોડાણ વધારે સારૂ બનશે અને અમદાવાદ-ભાવનગર વચ્ચેની વ્યવસાય પ્રવૃત્તિ લોકોની અવર-જવર માટે ઉત્પ્રેરકનું કામ કરશે. આ રોડનું ખાતમુહૂર્ત ભાવનગરના નારી સર્કલ પાસે સવારના ૧૦ કલાકે યોજાશે. આજરોજ રવિવારે યોજાનાર ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોની સુરક્ષા અર્થે ભાવનગર રેન્જના આઈજી, એસપી સહિતનો મસમોટો પોલીસ કાફલો બંદોબસ્તમાં ગોઠવાશે. જેમાં ૪ એસપી, ૧૪ ડીવાયએસપી, ઉપરાંત ૧૪૩૫ જેટલા પોલીસ જવાનો, એસઆરપી તેમજ બોમ્બ સ્કોડ ખડે પગે રહેશે અને ભાવનગર શહેરમાં આજે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks