(સંવાદદાતા દ્વારા)
પ્રાંતિજ, તા. ૩
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ચોમાસુ ખેતી નહીવત વરસાદ ના કારણે નામશેષ થઈ જવાના આરે આવતાં પ્રાંતિજ તાલુકામાં મહત્તમ ડાંગર, કપાસ, મગફળીના વાવેતર કરી ચૂકેલા ખેડૂતો જેમ તેમ કરીને પાકોને બચાવવા બોર-કૂવા ઓનો આશરો લે છે. પણ પૂરતો વીજ પ્રવાહ નહીં મળતાં કિસાનો જાયે તો કહાં જાય નો ખેલ સર્જાવા પામ્યો છે.
પ્રાંતિજના ધડકણ, તાજપુર, સલાલ, પ્રાંતિજ, પોગલુ, અમીનપુર, સોનાસણ, નનાનપુર સહિતના વિસ્તારોમાં સારો વરસાદને સારા ચોમાસાની આશાએ હજારો હેક્ટરમાં ડાંગર, કપાસ, મગફળી સહિતના ચોમાસું પાકોનું વાવેતર કરી દેતાં હવે વરસાદ ખેંચાતા અને તૂટક તૂટક માંડ સાતેક કલાક વીજપાવર મળતાં સિંચાઈ નહીં થઈ શકતાં તમામ પાકો મુરઝાઈ રહ્યાં છે. ખેડૂત પ્રહલાદભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે પૂરતો વીજ પુરવઠો નહીં અપાય તો પ્રાંતિજ તાલુકાના ખેડેતોની ખેતી નિષ્ફળ જશે અને કિસાનો દેવાના બોર બની જશે. ત્યારે તાલુકાના રાજકારણીયા અને ચૂંટણી ટાણે મતોની ભીખ માગવાવાળા કિસાનોની ચિંતા કરી કેનાલ દ્વારા સિંચાઇ તથા પૂરતો વિજપુરવઠો અપાવે એવી લાગણી ઉદ્ભવી રહી છે. તો પ્રાંતિજ તાલુકામાં આવેલા નાના-મોટા ૧૮ જેટલા તળાવો ખાલીખમ છે. પ્રાંતિજ, નનાનપુર સહિતના ગામડાઓના તળાવો ખાલી છે. તો કેટલાય તળાવો નજીક નર્મદા પાઇપ લાઇનોના વાલ્વ મુકેલા છે. જો વાલ્વ ખોલી તળાવો ભરાય તો અસંખ્ય ગામોમાં ખેડૂતોને નર્મદા ના પાણીનો ફાયદો તથા તળાવો ભરાય તો બોરકૂવા ના પાણીના સ્તર ઉપર આવે અને ભૂજલસ્ત્રોત જળવાઇ રહે તેમ છે પરંતુ સત્તાવાળા મંડળી બનાવો તો પાણી આપીએ નુ ભૂત લગાવી બેઠા છે અને પાણી વગર લોકોની ખેતી નિષ્ફળ જઇ રહી છે ત્યારે સરકાર શું કરે છે તેના પર સોની મીટ છે.