ખેડૂતો માટે મગફળીના વેચાણ પર પ્રતિ મણ રપ૦ના વધારાની જાહેરાત

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૪
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હોઈ ગુજરાતની ભાજપ સરકાર પણ દરેક વર્ગને ધ્યાનમાં રાખીને એક પછી એક નવા નિર્ણયોની જાહેરાત કરી રહી છે. રાજ્ય સરકારે હવે નારાજ ખેડૂતોને ખુશ કરવા માટે આ વર્ષે મગફળીનો મબલખ પાક થયો હોઈ તે જોતાં મગફળીની ખરીદી પર રૂા.રપ૦નો પ્રતિ મણમાં વધારો કર્યો છે. આગામી લાભ પાંચમથી રૂા.૯૦૦ પ્રતિમણના ટેકાના ભાવે સરકાર નક્કી કરેલા ૧૦૬ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદશે તેવી જાહેરાત આજે સરકાર દ્વારા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે રાજ્ય સરકાર આગામી લાભ પાંચમ રપ ઓક્ટોબરથી ખેડૂતોની મગફળી રૂપિયા ૯૦૦ પ્રતિ મણના ભાવે ૧૦૬ કેન્દ્રો પરથી ખરીદી શરૂ કરશે. આ વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતોને મબલખ ઉત્પાદન લેવાનો જે લાભ મળ્યો છે તેમાં તેમના આ ઉત્પાદનને યોગ્ય ટેકાનો ભાવ મળી રહે તે હેતુથી ગત વર્ષના ભાવ કરતાં રપ૦ રૂપિયા પ્રતિ મણ વધારે આપીને ખેડૂતોને આશરે પ૦૦ કરોડ જેટલી વધુ રકમ મળશે. ખેડૂતોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. કોઈ ખેડૂત ઉતાવળ કરીને મગફળી ના વેંચે. આ વર્ષે ગુજરાતમાં ૩ર લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. રાજ્યની તમામ મગફળી સરકાર ખરીદશે. ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે ૭/૧ર અને ૮/અના દાખલા આપવાના રહેશે. હાલ મગફળીનો ભાવ રૂા.૬૦૦થી ૬પ૦ છે. રૂપાણીએ ખાસ જણાવ્યું કે ખેડૂત, વેપારીઓ એડવાન્સ સોદા ન કરે માટે આગોતરી જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ વર્ષે સારા વરસાદ, ભેજવાળુ વાતાવરણ વગેરેને પરિણામે રાજ્યમાં ૩ર લાખ મે.ટન મગફળી ૩.ર૧ લાખ મે.ટન તુવેર, ૦.૬૪ લાખ મે.ટન મગ અને ૦.૮૩ લાખ અડદ તેમજ ૭૩.૬૦ લાખ ગાંસડી કપાસના ઉત્પાદનનો અંદાજ છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ વિપુલ પાક-ઉત્પાદન થવાથી બજારમાં ભાવો નીચા જાય અને ખેડૂતોને પોતાનું ઉત્પાદન સસ્તા ભાવે વેચવાની નોબત ન આવે અને તે માટે ટેકાના ભાવે ખરીદીને ભાવોમાં માતબર વધારો જાહેર કર્યો છે. આ ખરીદી નાફેડ, ગ્રોફેડ , ગુજકોમાસોલ સહિતના ૧૦૬ કેન્દ્રો પરથી કરવામાં આવશે. કોઈ સાચો ખેડૂત વંચિત ન રહે, વચેટિયાઓનો ભોગ ન બને તે માટે ખેડૂતોનું રજિસ્ટ્રેશન ઓનલાઈન સોફ્ટવેરથી કરાશે અને ખેડૂતોને એસએમએસથી જાણ પણ કરવામાં આવશે તેમ જણાવતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખેડૂતોને આ નાણાં સમયસર અને પારદર્શી પદ્ધતિએ મળી રહે એ માટે ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં એક સપ્તાહમાં જમા આપી દેવાશે. માલના વેચાણ માટે કેન્દ્રો પર આવે ત્યારે ખેડૂતો જમીન દસ્તાવેજ, ૭/૧ર, ૮-અ, પોતાના બેન્ક ખાતા નંબર, આધારકાર્ડ નંબર વગેરે પણ રજૂ કરે તે આવશ્યક છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks