અમદાવાદ, તા.૧૬
એશિયા ખંડનો સૌથી મોટો માટીનો ડેમ એટલે અમીપુર ડેમ. આ ડેમમાં ઉપરવાસના વરસાદને લઈને ઓઝતના ભારે પાણીની આવક થતા અમીપુર ડેમ પણ પાણીથી ભરાયો છે. જેને લઈને જીલ્લા કલેકટર ડેમની મુલાકાતે પહોચ્યા હતા. તો બીજી બાજુ પોરબંદરના ઘેડ પંથકમાં મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યા છે પરંતુ દરિયામાં ભરતીના કારણે પાણીએ પાછો ઠેલો માર્યો છે. પરિણામે તંત્ર સાબદું બન્યું છે. પોરબંદરના કુતિયાણા પંથકમાં આવેલ અમીપુર ડેમ એશિયાનો સૌથી મોટો માટીનો બનેલો ડેમ છે. અમીપુર ડેમમાં ઓઝતનાં પાણી આવતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયાં હતા. વહીવટી તંત્ર પણ આ પાણીના વધામણા કરવા પહોચ્યું હતું. અધિકારીઓએ ડેમની મુલાકાત લીધી હતી. સાથે જ અધિકારીઓએ ડેમ અને તેની આસપાસની ખેતીવાડીને નુકશાન થાય છે કે ફાયદો તેની પણ ચકાસણી કરી હતી. પોરબંદરનાં ઘેડ પંથકના માધવપુરમાં આવેલી મધુવંતી નદીમાં ઓઝતનાં ૧૮ દરવાજા ખોલવામાં આવતા આ પાણી પોરબંદરના ઘેડ પંથકમાં આવેલી મધુવંતી નદીમાં ફરી વળ્યાં છે. દરિયો ભારે તોફાની બનતા આવેલ ભરતીના લીધે આ પાણી સમુદ્રમાં જવું મુશ્કેલ બન્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારના લોકોને તંત્ર દ્રારા એલર્ટ કરવામાં આવ્યા છે. વધુ વરસાદ કે ઉપરવાસથી પાણીની આવક વધે તો વિસ્તારને ચોક્કસ મુશ્કેલીમાં મુકે તેવી સ્થિતિ સર્જાઈ છે.