(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૯
લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ સામે આજે ખેડૂત હિતરક્ષક સમિતિના નેવા હેઠળ ખેડૂતોની વિશાળ રેલી નીકળી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે, લાલપુર તાલુકામાં છુટોછવાયો વરસાદ થયો હતો. આથી પાક નિષ્ફળ ગયો છે. દવા, બિયારણ, ખાતરના દેવાના કારણે, ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકારે તાજેતરમાં કેટલાક તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતાં. જેમાં લાલપુર તાલુકાનો સમાવેશ કરાયો નથી. તાલુકામાં સિંચાઈની પણ કોઈ વ્યવસ્થા નથી. પાક ઉત્પાદનની કોઈ શક્યતા નથી. આથી પાક વીમો ચૂકવી દરેક ગામને પાણી પૂરૃં પાડવાની વ્યવસ્થા ગોઠવવાની જરૃર છે. ઉપરાંત પશુધન માટે પણ પાણી, ઘાંસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. જરૃર પડ્યે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ ચિમકી આપવામાં આવી છે. આ રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ હેમત ખવાની આગેવાનીમાં યોજાયો હતો.