અમદાવાદ, તા.૧૭
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મન, વચન અને કર્મથી કટિબદ્ધ છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે ખાણ વિભાગ દ્વારા પણ આ માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિવાળી જ્યારે ઘરઆંગણે આવીને ઊભી છે ત્યારે તહેવારોના આખરી દિવસોમાં પણ સતત કાર્યરત રહીને વિભાગ દ્વારા ખેતી રસાયણો અને જેનરિક પાક ઉત્પાદન કરનારી, વિશ્વના ૯ દેશોમાં એકમ ધરાવતી મે. યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ સાથે રૂા.૬૦૦૦/- કરોડના મૂડીરોકાણ અંગેના પરસ્પર સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ભરૂચ જિલ્લાના દહેજ-૩, જીઆઈડીસી કેમિકલ ઝોનમાં આશરે ૬ લાખ ચો.મી. જમીન એગ્રો કેમિકલ અને ઈન્ટરમીડિયેટ ઉત્પાદન માટે ફાળવશે. કંપની દ્વારા વિવિધ પ્રકારની ૧૦,૦૦૦ જેટલી રોજગારી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પૂરી પાડવામાં આવશે. આ પ્રકારની એક મોટી કંપની ગુજરાત ખાતે રોકાણ કરી રહી છે ત્યારે તેને સંલગ્ન અને તેના ઉત્પાદન સાથે જોડાયેલ અન્ય નાના નાના એકમોને પણ વિકસવાની તક મળશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ ભારતમાં તેના ૯ એકમો ઉપરાંત સ્પેન, ફ્રાન્સ, આર્જેન્ટિના, વિયેટનામ, ઈટાલી, નેધરલેન્ડ અને ચીન ખાતે પણ એકમો ધરાવે છે. મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસની હરણફાળમાં એક વધુ પગલું અને દિવાળીના તહેવારોની એક અનોખી ભેટ ગુજરાતની જનતાને આપી છે.