(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.ર
રાહુલ ગાંધીના પ્રવાસે ખરેખર ભાજપના અગ્રણીઓની ઉંઘ હરામ કરી નાખી હોવાનું છેલ્લા એક સપ્તાહના ભાજપ અગ્રણીઓના વાણી-વર્તન વગેરે પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. રાહુલના પ્રવાસ બાદ કોંગ્રેસ ઉપર શરૂ થયેલા આકરા પ્રહારો, રાહુલના પ્રવાસ સ્થળો પર અમિત શાહ, મુખ્યમંત્રી વગેરેનું પહોંચવું અને હવે બાકી રહ્યું હોય તેમ રાહુલ ગાંધીએ ખોડલધામની મુલાકાત તેના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે બેઠક કરી હતી તો તેને પગલે આજે મુખ્યમંત્રી રૂપાણીએ ખોડલધામની મુલાકાત લઈ નરેશ પટેલ સાથે બેઠક કરતા તે અંગે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને ચર્ચાએ જોર પકડયું છે.
ખોડલધામની રાહુલ ગાંધીની મુલાકાત અને ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ સાથેની તેમની બેઠકને લઈ છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા અને મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસનો નવો ચહેરો બનવા જઈ રહ્યો હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા હોઈ ભાજપના ગુજરાતના અગ્રણીઓની ચિંતામાં વધારો થઈ જવા પામ્યો હતો. આમેય રાહુલ ગાંધીના સફળ પ્રવાસને પગલે ભાજપની ચિંતા વધી જ ગયેલી હતી. ત્યાં નરેશ પટેલના સમાચારે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.
દરમ્યાન નરેશ પટેલની રાજકારણમાં જોડાવાની વાતો અને મીડિયાના અહેવાલોને પગલે જ જાણે કે મુખ્યમંત્રીએ આજે ખોડલધામની મુલાકાત લીધી હોય તેમ મનાઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ખોડલધામના દર્શન કરી ત્યાનાં ટ્રસ્ટી નરેશ પટેલ સાથે બેઠક પણ કરી હોવાની વિગતો બહાર આવી છે. આ સાથે નરેશ પટેલના કોંગ્રેસ સાથેના જોડાણની વાતને લઈને રૂપાણીની આ મુલાકાત સૂચક મનાઈ રહી છે. નરેશ પટેલને મળીને સાચી સ્થિતિ જાણવા તથા ખરેખર જ તેઓ કોંગ્રેસમાં જોડાવવાના હોય તો તેમને રોકી ભાજપમાં વિશેષ ઓફરો સાથે સામેલ કરવાનું ગણિત પણ હોઈ શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ગમે તેમ પણ હાલમાં તો નરેશ પટેલ અને આ મુલાકાત ટોક ઓફ ધ સ્ટેટ બની રહેલ છે.