(એજન્સી) હૈદરાબાદ,તા.૧૫
એવું તો તમે ક્યારેક જ સાંભળ્યું હશે કે કોઈ નેતા પાસે કાર નથી. તો એક એવો જ કિસ્સો છે આ નેતાનો. તેલંગણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પાસે સંપત્તિમાં ૨૨ કરોડ ૬૦ લાખ છે પરંતુ તેમની પાસે એક પણ કાર નથી. આ જાણકારી તેમના સોગંદનામા પરથી મળી છે. કેસીઆરે ગજવેલ વિધાનસભામાંથી પોતાનું નામ નોધાવ્યું છે. સોગંદનામા મુજબ તેમની વાર્ષિક આવક ૨ કરોડ ૭ લાખ છે. શપથપત્રમાં કેસીઆરે કહ્યું કે પોતે ખેતી સાથે જોડાયેલ છે અને પત્ની શોભા ગૃહિણી છે. તેમની જંગમ મિલકત ૧૦ કરોડ ૪૦ લાખ છે, જ્યારે સ્થાવર મિલકત ૧૨ કરોડ ૨૦ લાખ છે. સ્થાવર મિલકતમાં સીધીપેટમાં ૫૪ એકરની કૃષિ જમીન પણ છે જેની કિંમત સાડા છ કરોડ બતાવવામાં આવી રહી છે. કે. ચંદ્રશેખર રાવની સંપત્તિ છેલ્લા ચાર વર્ષમાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા જેટલી વધી છે અને તેમણે ૧૬ એકર કૃષિ જમીન ખરીદી છે પરંતુ વાત એમ છે કે તેઓ પાસે એક પણ કાર નથી. રસપ્રદ વાત એ છે કે બુધવારે આપેલાં સોગંદનામા અનુસાર ચિહ્નમાં કાર પસંદ કરનાર તેલંગણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ પાસે એક પણ કાર નથી. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પાસે ૩૭.૭૦ એકર કૃષિ જમીન છે અને નવાં સોગંદનામા મુજબ તેમની પાસે ૫૪.૨૪ એકર છે. તેલંગાણામાં આગામી ૭ ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. ર૦૧૪માં ઉમેદવારી પત્રક ભરતી વખતે રાવે સોગંદનામામાં ખુદને એક વેપારી અને ખેડૂત બંને હોવાનું જણાવ્યું હતું. જ્યારે વર્તમાન સમયમાં તેમણે ખુદ એક ખેડૂત હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશના કેટલાક ગણતરીના મહત્ત્વપૂર્ણ નેતાઓમાં રાવ એક એવા નેતા છે કે જેઓ ના તો ફેસબુક પર છે અને ના તો ટ્વીટર પર. ટી.આર.એસ. ચીફ પાસે લગભગ ર.૪ લાખની કિંમતના સોનાના ઘરેણાં છે જ્યારે તેમના પત્ની પાસે લગભગ ૯૩ લાખના ઘરેણાં છે. કે.સી.આર. પર લગભગ ૬૩ જેટલા ગુનાહિત કેસો પણ દાખલ છે.