(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદે દ્વારા કરવામાં આવેલા સનસાનટીપૂર્ણ ઘટસ્ફોટથી મોદી સરકારની મુશ્કેલીઓ વધી ગઇ છે અને મોદી સરકાર બેકફૂટ પર આવી ગઇ છે. ફ્રાન્સની વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા ઘટસ્ફોટ બાદ કોંગ્રેસથી માંડીને બધા વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કરી રહ્યા છે, એટલે સુધી કે પીએમ મોદીના કેટલાક કટ્ટર સમર્થકોએ પણ સ્વીકાર કર્યો છે કે ઓલાંદેના સનસનાટીપૂર્ણ ખુલાસા બાદ વડાપ્રધાન મોદી બચી જવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. લગભગ બધી મીડિયા સંસ્થાએ ફ્રાંસિસ જર્નલ દ્વારા પ્રકાશિત રિપોર્ટ બતાવ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને ઘણા વરિષ્ઠ પત્રકારોએ પણ આ રિપોર્ટને પોતાના ટિ્વટર એકાઉન્ટ પર શેર કર્યા છે. સંરક્ષણ નિષ્ણાતોને ટાંકીને ફ્રેન્ચ વેબસાઇટે લખ્યું છે કે દસોલ્ટ માટે એક ગંભીર ઔદ્યોગિક જોખમ છે કારણ કે આપણે એવી કંપની સાથે ડીલ કરી રહ્યા છીએ જેણે ક્યારેય વિમાન બનાવ્યું નથી અને એ કંપની ક્યારેય પણ સંરક્ષણમાં સામેલ થઇ નથી. નિષ્ણાતોના નામ બતાવ્યા વગર તેમણે આગળ લખ્યું કે ભવિષ્યમાં રાફેલને લઇને જો કોઇ ઘટના સર્જાશે તો તે આ ડીલથી પણ વધુ મોંઘી પડશે. ફ્રેન્ચ જર્નલે ‘જનતાના રિપોર્ટર’ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની પણ પુષ્ટિ કરી હતી કે રાફેલ વિમાનોની શરૂઆતની કીમત ૩૦૦ ટકા સુધી વધી હતી. આ બધી વાસ્તવિકતાઓને કારણે આગામી દિવસોમાં મોદી સરકારનું ભયંકર રીતે ભીંસમાં મુકાવાના કારણો બનશે. આથી જ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ એટલું જ કહ્યું છે કે ફ્રેન્ચ જર્નલ દ્વારા કરાયેલા ઘટસ્ફોટની ચકાસણી કરવામાં આવી રહી છે.