જામનગર,તા.૬
જામનગર સહિત સમગ્ર હાલારમાં ઠેર-ઠેર પશુઓનો ત્રાસ વધી ગયો છે. અત્યાર સુધીમાં પશુઓ અનેક ઇજા પહોંચાડી ચુકયા છે. ગઇકાલે ખુટીયાએ સગર્ભા મહિલાને ગંભીર ઇજા પહોંચાડતા તેણીના આઠ મહિનાના બાળકને ડોકટરોએ બચાવી લીધુ છે પરંતુ મહિલાને ગંભીર ઇજા પહોંચી હોય તેણીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
અન્ય એક બાળકને પણ પશુઓએ ઇજા પહોંચાડી છે. જ્યારે ઠેબા ચોકડી પાસે એક વૃદ્ધને ખુટીયાએ ઇજા પહોંચાડતા તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતાં. આમ જામનગરમાં પશુઓના અનહદ ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.
આ અંગેની વિગત એવી છે કે, જામનગરના કોર્પોરેટર નિતાબેન પરમારની ભાભી શિવાની અમિતભાઇ વાઘેલા (ઉ.વ.૩૩) તથા તેમના પુત્ર રૂદ્ર (ઉ.વ.૭)ને ખોડીયાર કોલોની પાસે ખુટીયાએ અડફેટે લઇને ગંભીર ઇજા પહોંચાડી હતી. મહિલા સગભાર્ હોય તેને તાત્કાલીક અસરથી ૧૦૮માં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં સીઝેરીયન કરીને બાળકને જન્મ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ જામનગરની ખાનગી હોસ્પિટલમાં નવજાત શીશુને દાખલ કરવામાં આવ્યો છે.
શિવાનીબેનને પણ ઇજા થતાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જામનગરની જી.જી.હોસ્પિટલમાં શિવાનીબેનની તબીયત વધુ લથડતા તેણીને તાત્કાલીક અસરથી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. જ્યાં તેણીની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. જામનગરમાં ગઇકાલે ઠેબા ચોકડી પાસે દિનુભા કેરના એક વૃદ્ધને ખૂટીયાએ ઇજા પહોંચાડતા તેને જી.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આમ ત્રણ વ્યિક્તે ઇજા થઇ છે. જેમાં મહિલાની હાલાત ગંભીર હોવાનું જાણવા મળે છે.
પંચેશ્વર ટાવર, હવાઇચોક, ચાંદીબજાર, સેતાવાડ, ખંભાળીયા ગેઇટ, દિ.પ્લોટ પોલીસ ચોકી, રણજીતનગર, ખોડિયાર કોલોની, દિગ્જામ સર્કલ, ડીકેવી સર્કલ, રામેશ્વર ચોક, નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં પશુઓનો અનહદ ત્રાસ છે, અત્યાર સુધીમાં અનેક વ્યિક્તઓ પશુઓની ઇજાનો ભોગ બની ચૂક્યા છે. પરંતુ મહાપાલિકાનું નિર્ભર તંત્ર હજુ વધુ ઇજા થાય તેની રાહમાં હોય તેમ લાગે છે.