વોશિંગ્ટન,તા.૧૭
હવાઇ આઇલેન્ડના કિલાઉ જ્વાળામુખી વધુ સક્રિય થતાં તેમાં લાવાના બ્લાસ્ટ થયાં હતા. હવાઇના બિગ આઇલેન્ડ પર એક ટૂરિસ્ટ બોટ પર લાવા બોમ્બ અને કાટમાળ પડવાના કારણે અંદાજિત ૨૩ જેટલાં ટૂરિસ્ટ ઘાયલ થયા છે. બોટમાં બેઠેલી ૨૦ વર્ષીય યુવતીના પગ ગંભીર રીતે બળી ગયા હતા જ્યારે અન્ય ટૂરિસ્ટ્સને પણ દાઝી જવા અને કાટમાળ પડવાના કારણે ઇજાઓ થઇ છે.
આ બોટમાં બેઠેલા ટૂરિસ્ટ્સ છેલ્લાં બે મહિના કરતાં વધુ સમયથી સક્રિય થયેલા કિલાઉ જ્વાળામુખીને જોવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બિગ આઇલેન્ડનો કિલાઉ જ્વાળામુખી ગત ૩ મેથી સક્રિય થયો છે. જેના કારણે આઇલેન્ડની ૧૦૦થી વધુ એકર જમીન નષ્ટ થઇ ગઇ છે અને સ્વાસ્થ્યને લગતાં જોખમો ઊભા થયા છે.
જ્વાળામુખીમાં થઇ રહેલા લાવા, રાખ અને ધુમાડાના બ્લાસ્ટ્સના કારણે અત્યાર સુધી ૭૦૦ ઘરો નષ્ટ થયા છે. આ આઇલેન્ડ પર ૧.૮૫ લાખ લોકો વસવાટ કરે છે. અત્યાર સુધી હવાઇ ઓથોરિટીએ ૧૫,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. હવાઇ ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, સોમવારે જ્વાળામુખીમાં બાસ્કેટ બોલ સાઇઝના લાવા બોમ્બ ફાટતાં આ બોટ પર લાવા પડ્યો હતો. જેના કારણે બોટમાં મોટું કાણું પડી ગયું હતું. લાવાના કારણે ઇજાગ્રસ્ત થયેલા ૪ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય લોકોની બોટ કિનારા પર આવ્યા બાદ સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્વાળામુખી સક્રિય થયા બાદ અહીંની ઓથોરિટીએ લાવાની નજીક નહીં જવાની ચેતવણી જાહેર કરી હતી. કારણ કે, લાવા પેસિફિક સમુદ્રમાં ભળવાથી તેની આસપાસ એસિડના વાદળો બંધાઇ રહ્યા છે. જેના કારણે સ્વાસ્થ્યને લગતા ગંભીર જોખમ થઇ શકે છે. યુએસ કોસ્ટ ગાર્ડે ગત મે મહિનામાં સેફ્ટી ઝોન તૈયાર કર્યો હતો. જે અનુસાર, કિલાઉ જ્વાળામુખીના ૯૮૪ ફૂટના એરિયામાં પ્રવેશ નહીં કરવાની ચેતવણી આપવામાં આવી હતી. આ બોટને લાવા નજીક જતાં પહેલાં ૧૬૪ ફૂટ દૂરથી લાવા જોવાનું લાઇસન્સ આપ્યું હતું. જો કે, જ્વાળામુખી અચાનક જ વધુ સક્રિય થતાં તેને જોવા ગયેલા તમામ ટૂરિસ્ટ્સ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.