(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
સુરતથી અમદાવાદ તરફ જતી અમદાવાદ પેસેન્જર ટ્રેનમાં ફરજ પરના ટિકિટ ચેકરે કીમના યુવાનને પાનોલી સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારતા તેને ગંભીર ઈજા સાથે કીમની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉપરોક્ત ઘટના બાબતે રેલવે પોલીસ દ્વારા ઉપરોક્ત ગંભીર બનાવમાં ટીકીટ ચેકરને બચાવવાના પ્રયાસ કરાતા બરોડા આરપીએફ ડી.એસ.પી અને બરોડા ડી.આર.એમ.ને ફરિયાદ કરાતા ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લેવા પોલીસની ટીમ કીમ આવી પહોચી હતી.
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર કીમ બાઈજન રોડ પાસે રહેતાં અને દીપશન કંપનીમાં કામ કરતાં વિજય હર્ષદ વસાવા ઉ.વ.૨૬ તા.૨૧-૧૦-૨૦૧૭ના રોજ તેના પરિવારના સભ્યો સાથે કીમથી જનરલ કોચની ટિકિટ લઈ નડીયાદ ખાતે આવેલા મીનાવાડા મંદિરના દર્શનાર્થે જવા નીકળ્યા હતા. દિવાળી-ભાઈબીજના તહેવારને ધ્યાનમાં લઈ અમદાવાદ પેસેન્જર ટ્રેનમાં ચિક્કાર ગીરદી હોવાથી તેઓ રીઝર્વેશન કોચમાં ચઢી ગયા હતા. કીમથી ઉપડેલ ટ્રેન પાનોલી સ્ટેશને પહોંચતા રીઝર્વેશન કોચમાં ફરજ બજાવતા ટીકીટ ચેકરે જનરલ કોચની ટીકીટ લઈ મુસાફરી કરતા મુસાફરોને ધક્કા મુક્કી કરી ઉતારી દેવા પ્રયાસ કર્યો હતો. પાનોલી સ્ટેશને ટ્રેન ચાલુ થઈ જતા કીમના વિજય હર્ષદ વસાવાને ફરજ પરના ટીસીએ ચાલુ ટ્રેને ધક્કો મારતા તે ટ્રેનમાંથી પટકાઈને બે પાટા વચ્ચે પડી ગયો હતો. પોતાના સગા ભાઈને ટ્રેનમાંથી પટકાતા જાતા નાનો ભાઈ વિરલ અને તેના બનેવી પણ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. બે પાટા વચ્ચે પટકાયેલા વિજય વસાવા ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગયા બાદ તેની કમરમાં તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા સાથે સદ્નસીબે બચાવ થયો હતો. પાનોલી સ્ટેશનના ફરજ પરના સ્ટેશન માસ્તરને જાણ કરતા તેમણે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સના માધ્યમથી ઈજાગ્રસ્ત વિજયને સારવાર અર્થે કીમ ખસેડાયો હતો.
ઉપરોક્ત સમગ્ર મામલે રેલવે પોલીસે ફરજ પરના ટીકીટ ચેકરને બચાવવાના પ્રયાસ કરતા કીમના જાગૃત નાગરિકે બરોડા આરપીએફ ડીએસપી અને બરોડા ડીઆરએમને ફરિયાદ કરતા આજરોજ અંકલેશ્વર ભરૂચથી પોલીસના અધિકારીઓ કીમ દોડી આવી ઈજાગ્રસ્ત વિજય વસાવાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.