કિસાન આંદોલન વકર્યું, મંદસૌરમાં રાહુલ ગાંધીની ધરપકડ

શરદ યાદવ, કમલનાથ, દિગ્વિજયસિંહ, સચિન પાઇલટ જેવા વરિષ્ઠ નેતાઓની પણ અટકાયત

  • મોદી સરકાર ખેડૂતોને ટેકાના યોગ્ય ભાવો, બોનસ અને વળતર આપી શકતી નથી પરંતુ ગોળી જરૂર આપી શકે છે : રાહુલ ગાંધી • હિંસાગ્રસ્ત મંદસૌરના કલેક્ટર અને એસપીની બદલી

 

 

ઇન્દોર, નીમચ, નવી દિલ્હી, તા. ૮

મધ્યપ્રદેશના ખેડૂત આંદોલને હવે ઉચ્ચ રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે જેને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મંદસોરમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને મળવા માટે તમામ પ્રતિબંધો છતાં કોઇપણ ભોગે જવા તૈયાર હતા. મંદસોર તથા મધ્યપ્રદેશની સરહદમાં તેમના પ્રવેશ પર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો હતો તેમ છતાં ઉદેપુર સુધી ચાર્ટર્ડ પ્લેન અને ત્યાંથી એસયુવી બાદ નીમચ સરહદે બાઇક પર સવાર થઇ રાહુલ ગાંધી પ્રથમ ટોલ પર પહોંચ્યા ત્યાં તેમની કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષના નેતાઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ સાથે કોંગ્રેસના હજારો કાર્યકરો પણ જોડાયા હતા. સમર્થકોએ જય જવાન, જય કિસાન અને રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. રાહુલ ગાંધી સહિત રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાઇલટ અને મધ્યપ્રદેશના ધારાસભ્ય જયવર્ધનસિંહ સહિત સેંકડો કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ તમામ લોકોને એક ગેસ્ટહાઉસમાં અટકમાં રાખવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી સાથે પક્ષના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ, કમલનાથ અને જદયુના અધ્યક્ષ શરદ યાદવ પણ સામેલ હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના અન્ય વિસ્તારોમાં ખેડૂતોએ આંદોલન ચાલુ રાખ્યું હતંુ અને આ રીતે સમગ્ર રાજ્યમાં પ્રસરેલું આંદોલન હવે વિકરાળ સ્વરૂ ધારણ કરી રહ્યું છે.

મધ્યપ્રદેશમા આંદોલન દરમિયાન પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા પાંચ કિસાનોના પરિવારજનોને મળવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉદેપુર થઇ નીમચ પહોંચ્યા હતા જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ખેડૂતોના પરિવારજનોને મળવા માટે રાહુલ ગાંધીને મધ્યપ્રદેશમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી નહોતી જ્યારે તેઓ ઉદેપુરથી મધ્યપ્રદેશની સરહદમાં પ્રવેશવા માટે બાઇક પર બેસીને નીમચ પહોંચ્યા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પહેલા ભારે નાટકીય રીતે રાહુલ ગાંધી ચાર્ટર્ડ વિમાન દ્વારા ઉદેપુર પહોંચ્યા હતા અને તેમને મધ્યપ્રદેશની સરહદની અંદર પ્રવેશવાની પરવાનગી નહીં હોવાથી અને મંદસોરમાં ધારા ૧૪૪ લાગુ હોવાને કારણે તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમ છતાં તેઓ મધ્યપ્રદેશ સરહદમાં બાઇક પર સવાર થઇ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના મોત બદલ વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જવાબદાર છે. તેમણે ટ્‌વીટર પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, મોદીજી ખેડૂતોના દેવા માફ નથી કરી શકતા, યોગ્ય ભાવો અને બોનસ આપતા નથી, વળતર નથી આપી શકતા પરંતુ કિસાનોને ગોળી જરૂર આપે છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશના અમીર લોકોના ૧.૫૦ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી દીધા છે પરંતુ ખેડૂતોના દુઃખમાં ભાગીદાર બનતા નથી અને તેઓના માટે તો ફક્ત ગોળી જ રાખી છે.

આંદોલનગ્રસ્ત વિસ્તારથી ૫૬ કિલોમીટર દૂર રાહુલ ગાંધીના કાફલાને રોકી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, નીમચ નજીક ભારે પોલીસ કૂમક ખડકેલી હોવાથી રાહુલ ગાંધી તેમની એસયુવી કારમાંથી સ્થાનિક ધારાસભ્ય રાવ અને જીતુ પટવારીની સાથે મોટરસાઇકલ પર બેસી ગયા હતા અને નીમચથી નિંબાહેડા પહોંચ્યા હતા પરંતુ થોડીવારમાં જ તેઓ પાછા નીમચ આવ્યા હતા અને બાદમાં પ્રથમ ટોલ પ્લાઝા પર પહોંચ્યા બાદ બાઇક પરથી પણ ઉતરી બૂથ પાસે ઊભેલા આશરે ૭૦૦ પોલીસકર્મીઓ તરફ ચાલવા માંડ્યા હતા. પોલીસ કર્મીઓ ઉપરાંત અહીં આરપીએફનો કાફલો ખડકેલો હતો. અહીં રાહુલ ગાંધીની ધરપકડ કરાયા બાદ તેમણે જણાવ્યું હતું કે, હું તો ફક્ત કિસાનોના પરિવારજનોને મળવા માગતો હતો અને તેમની વાત સાંભળવા માગતો હતો પરંતુ કોઇ કારણ આપ્યા વિના મારી ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન રાહુલ ગાંધીના ઘણા સમર્થકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 

 

ધરપકડ બાદ છૂટકારા પછી રાહુલની પીડિત પરિવારો સાથે એમપી-રાજસ્થાન બોર્ડર પર મુલાકાત

કિસાન ગોળીકાંડના પીડિત પરિવારોને મળવા માટે મંદસોર જવાના પ્રયાસમાં નીમચમાં અટકાયતમાં લેવાયેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે પહેલા જામીન લેવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ વહીવહીતંત્રે જ્યારે તેમને પીડિત પરિવારો સાથે મળવાની પરવાનગી આપી ત્યારે તેઓ જામીન લેવા માટે રાજી થયા હતા.ત્યારબાદ રાહુલે એમપી-રાજસ્થાન બોર્ડર પર પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક વીડિયો સંદેશ જારી કરી કિસાનોને શાંતિ સ્થાપવા અપીલ કરી હતી. આ દરમિયાન એમપીના શાજાપુરમાં આગજની અને પથ્થરમારાના બનાવો બન્યા હતા જેમાં જિલ્લા કલેક્ટર પણ ઘવાયા હતા. પીડીત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ માગ કરી હતી કે, મોતને ભેટેલા કિસાનોને શહીદનો દરજ્જો મળવો જોઇએ તેમણે આશ્વાસન આપ્યું હતું કે, કોંગ્રેસ સરકાર પાસે આ માગ ઉઠાવશે અને તેઓની પૂરી મદદ કરશે. મોદી સરકાર પર પ્રહારો કરતા રાહુલે જણાવ્યું કે, લોનમાફી ફક્ત સૌથી અમીર ૫૦ લોકોની જ થાય છે પરંતુ ખેડૂતોની નથી થતી.

 

 

મધ્યપ્રદેશ ખેડૂત આંદોલન : જૂના સંઘ નેતાએ જ શિવરાજના નાકમાં દમ લાવી દીધો

મધ્યપ્રદેશમાં લોન માફી અને પાકના યોગ્ય ભાવો માટે આંદોલન કરી રહેલા ખેડૂતો પર મંગળવારે પોલીસ ગોળીબારમાં પાચના મોત થયા હતા જે બાદ આંદોલન ઉગ્ર બન્યું હતું પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે, આઁદોલનમાં ખેડૂતોનો સાથ આપી રહેલા રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘના રાષ્ટ્રીય સંયોજક શિવકુમાર શર્મા પૂર્વ આરએસએસ નેતા છે. તેમણે મે ૨૦૧૨માં પણ બરેલી શહેરમાં ખેડૂતો માટે રેલી કાઢી હતી. તે સમયે તેઓ ભારતીય કિસાન સંઘના મહાસચિવ હતા. તે સમયે આંદોલન હિંસક બન્યું હતું અને એક ખેડૂતના મોત તથા અનેક ઘવાયાને કારણે સ્થિતિ તંગ બની હતી. ત્યારે  શર્માનેજેલમાં જવાનો વારો આવ્યો હતો અને ઘણા કેસો પણ તેમની સામે ચલાવાયા હતા. બાદમા આરએસએસે તેમને હાંકી કાઢ્યા હતા. ભાજપે તેમને બ્લેકમેલર ગણાવ્યા હતા જોકે, જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ કિસાન સંઘના નેતા તરીકે જળવાઇ રહેશે.

મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરતા ખેડૂતે કહ્યું જ્યાં સુધી મુખ્યમંત્રી આવીને માંગો પૂરી ન કરે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ના કરશો

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના એક ગામના ખેડૂતે આત્મહત્યા કરતા એક પત્રમાં લખ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી આવીને અમારી માહો પુરી નહીં કરે ત્યાં સુધી મારો અંતિમ સંસ્કાર કરશો નહીં. સોલાપુરના કલેક્ટર રાજેન્દ્ર ભોસલેએ જણાવ્યંુ કે, ૪૫ વર્ષના ઘનજીએ ગત રાતે પોતાના ઘર નજીક જ એક ઝાડ નીંચે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના સ્થળેથી મળેલા પત્રમાં ઘનજીએ પોતાના મિત્રો અને સગાવહાલાઓને સંબોધીને લખ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી ફડનવીસ ગામની મુલાકાત લઇ માગો પુરી ન કરે ત્યાં સુધી મારો અંતિમ સંસ્કાર ન કરશો.

 

 

 

પોલીસ ફાયરિંગમાં જ ખેડૂતોના મોત થયાં

ત્રીજા દિવસે મ.પ્ર.ના ગૃહમંત્રીની કબૂલાત

મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આખરે કબૂલાત કરી હતી કે, મંદસોરમાં પાંચ ખેડૂતોના મોત પોલીસ ગોળીબારમાં થયા હતા. આ પહેલા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ખેડૂતોના મોત પોલીસે ગોળી ચલાવવાને કારણે નથી થયા. જોકે, તપાસ બાદ તેમણે જણાવ્યું હતું કે, પોલીસે ફાયરિંગ કરી હતી અને તેના ફાયરિંગને કારણે જ ખેડૂતોના મોત થયા હતા. જોકે, સાથે જ તેમણે એમ પણ કહ્યંુ કે આ ઘટનાને કોંગ્રેસ રાજકીય રંગ આપી રહી છે. બીજી તરફ તેઓ એવું પણ બોલી ગયા હતા કે, આંદોલનમાં અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા અને તેમણે આંદોલનને હિંસક બનાવ્યું હતું. આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે જેથી ખેડૂતો પર ફાયરિંગ કરનારા પોલીસકર્મીઓની ઓળખ થઇ શકે. આ દરમિયાન તેમણે જિલ્લા કલેક્ટર અને પોેલીસ અધિકારીઓની નિષ્ફળતાને પણ જવાબદાર ગણાવી હતી.

કૃષિ કલ્યાણ સેસમાંથી સરકાર ગોળીઓ ખરીદી રહી છે : જીઁસ્

મધ્યપ્રદેશમાં પોલીસ ગોળીબારમાં પાંચ ખેડૂતોના મોત બાદ વકરેલી સ્થિતિ બાદ સમગ્ર દેશમાંથી રાજ્ય સરકાર તથા કેન્દ્રની મોદી સરકારની ભારોભાર ટીકા થઇ રહી છે. આ દરમિયાન સીપીએમે જણાવ્યંુ હતું કે, એવું લાગે છે કે, કેન્દ્ર સરકાર ખેડૂત કલ્યાણ યોજનાઓના ભંડોળમાંથી ખેડૂતોને મારવા માટે ગોળીઓ ખરીદી રહી છે. ટ્‌વીટર પર સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનના પ્રશ્ને કાંઇ કહેવા માગતી નથી અને કહેવાતી બહાદૂર સરકારને આ મુદ્દાને ઉકેલી શકતી નથી.

 

 

ખેડૂતોની તકલીફો પર ધ્યાન આપો નહીં તો એમપીવાળી થશે : યુપીમાં યોગીને ચેતવણી

ઉત્તરપ્રદેશના ખેડૂતોએ પણ અહીંની યોગી આદિત્યનાથની સરકારને ચેતવણી ઉચ્ચારી છે કે, તેઓ ખેડૂતોની તકલીફો પર ધ્યાન આપે નહીં તો મધ્યપ્રદેશના મંદસોર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહે. પ્રથમ કેબીનેટ બેઠકમાં યોગી આદિત્યનાથ સરકારે ખેડૂતોની લોન યોજના અંગે જાહેરાતને યાદ અપાવતા રાષ્ટ્રીય કિસાન મંચના અધ્યક્ષ શેખર દિક્ષિતે જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા ટેકાના ભાવો મેળવવામાં મોટાભાગના ખેડૂતો નિષ્ફળ નિવડે છે. દિક્ષિતે સત્તાવાર સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, જો ઉત્તરપ્રદેશ સરકાર ખરેખર ખેડૂતો વિશે વિચારી રહી હોય તો તેમની પ્રાથમિક મુશ્કેલીઓ દૂર કરવાનું શરૂ કરી દે નહીં તો મંદસોર જેવી સ્થિતિનું નિર્માણ થશે. મંદસોરમાં ખેડૂતોના આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં પાંચ ખેડૂતોના મોત નિપજ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, જો આ સમસ્યા વહેલી તકે નહીં ઉકેલાય તો સમગ્ર દેશમાં ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળશે. દિક્ષિતે જણાવ્યું હતું કે, ખેડૂતો ગરીબીમાં ધકેલાતા રહે છે અને તેમના વિશેના નિર્ણયો ફક્ત એસી કેબીનોમાં બેસીને લેવાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ યોજનાનો લાભ તેઓ લઇ શકતા નથી.

 

 

‘સીએમ, પીએમ અને અન્ય સરકારી બાબુઓ તરત ભથ્થા, અન્ય લાભો ત્યજે’ઃ મહારાષ્ટ્રના ખેડૂતોની માગ

લોન માફી અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના જવાબથી ભારે અસંતોષની લાગણી અનુભવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે, સીએમ, પીએમ અને અન્ય સરકારી બાબુઓએ તરત જ ભથ્થાઓ અને અન્ય સુવિધાઓનો લાભ છોડી દેવો જોઇએ. નાસિકમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ફડનવીસના એ નિવેનનો વિરોધ કર્યો હતો જેમાં કહેવાયું હતું કે, સરકાર તમામ કિસાનોની લોન માફ કરી શકતી નથી. ત્યારે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી સરકાર તેમની માગો પુરી નહીં કરે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. ખેડૂત નેતા સદાશિવ શિંદે પાટિલે જણાવ્યું કે, તેઓને જ્યાં સુધી કિસાનોનું દુઃખ નહીં સમજાય જ્યાં સુધી તેઓ અમારી સુખ સુવિધાઓથી વંચિત થઇને લાઇનોમાં નહીં ઉભા રહે. તેમણે કહ્યું કે, તેમણે કિસાનોના સમર્થનમાં સમગ્ર રાજ્યમાં સાઇકલ યાત્રા આરંભી છે. સરકારે અત્યાર સુધી કોઇ વેતન પંચન રચના નથી કરી અને સ્વામીનાથન પંચની ભલામણો લાગુ કરવા માટે તેમની પાસે નાણા નથી. સરહદ પર રોજ જવાનો મરી રહ્યા છે અને ખેતરોમાં ખેડૂતો મરી રહ્યા છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પહેલા તેમણે બહુ મોટા વાયદાઓ કર્યા હતા અને લોકોએ તેમના પર વિશ્વાસ મુકી મત આપ્યા હતા પરંતુ ભાજપ વાયદા પૂરા કરવામાં નિષ્ફળ નિવડ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts