(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.ર૪
કોડીનાર શહેર તાલુકાભરમાં સતત ૧ર દિવસ સુધી ૬ર ઈંચ ભારે વરસાદે તારાજી સર્જયા બાદ ગત પથી ૬ દિવસથી મેઘ વિરામ વચ્ચે પણ કોડીનારના બજારો સુમસામ ભાસી રહી હોય વેપારીઓ ચિંતિત બન્યા છે.
સૌરાષ્ટ્રભરમાં સૌથી વધુ કોડીનારમાં ૧ર દિવસમાં ૬ર ઈંચ ખાબકેલા વરસાદે તાલુકાભરમાં મોટા પ્રમાણમાં તારાજી સર્જી હતી. તેમજ મોટાભાગના ગામડાઓમાં બેટમાં ફેરવાતાં જમીનોનું મોટાપાયે ધોવાણ થયું હોય અને અનેક ગામડાઓના રસ્તાઓ બંધ હોવાના કારણે તાલુકાના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદ બાદ મેઘ વિરામમાં ગ્રામ્ય વિસ્તારોના લોકો પાણીનો નિકાલ કરવામાં અને ધોવાણ થયેલી જમીનો સુધારણામાં વ્યસ્ત થયા હોય ગ્રામ્ય વિસ્તારના લોકો તાલુકા મથકે ન આવતા કોડીનારના બજારો ભારે સુમસામ બનતા મંદીનો ભયંકર માહોલ સર્જાયો છે. કોડીનારમાં ભારે વરસાદના પરિણામે છેલ્લા ર૦ દિવસથી બજારોમાં મંદી છવાઈ હોય વેપારીઓ ચિંતિત બન્યા છે.