હાઈએસ્ટ કમાણી કરનારા ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં કોહલી એકમાત્ર ભારતીય

રોનાલ્ડો ટોચના સ્થાને : કોહલી ૮૯મા ક્રમાંકે

નવી દિલ્હી,તા. ૮

સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં વિરાટ કોહલી એક માત્ર ભારતીય રહ્યો છે. વિશ્વના સૌથી વધુ કમાણી કરનાર ૧૦૦ ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીને સામેલ કરવામાં આવ્યો છે. ફુટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ યાદીમાં પ્રથમ સ્થાન ઉપર છે. ફોર્બ્સની ૨૦૧૭ની દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં ૨૮ વર્ષના કોહલીને ૮૯માં ક્રમ પર મુકવામાં આવ્યો છે તેની કમાણી બે કરોડ ૨૦ લાખ ડોલર છે જેમાં ૩૦ લાખ ડોલર પગાર અને પુરસ્કાર ઉપરાંત એક કરોડ ૯૦ લાખ ડોલર જાહેરાતની કમાણીનો સમાવેશ થાય છે. કોહલીની પ્રશંસા કરતા ફોર્બ્સે કહ્યું છે કે, આ સુપર સ્ટારની સરખામણીમાં સારા કારણોથી હાલ મહાન ખેલાડી સચિન તેંડુલકર સાથે થવા લાગી ગઈ છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોહલી સતત બેટિંગના રેકોર્ડ તોડી રહ્યો છે. ૨૦૧૫માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે તેની પસંદગી કરવામાં આવ્યા બાદ તે એક પછી એક સફળતા હાંસલ કરી રહ્યો છે. કોહલીએ ગયા વર્ષે ટીમ તરફથી રમતા પગાર અને મેચ ફી તરીકે ૧૦ લાખ ડોલરની કમાણી કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી મળેલા ૨૩ લાખ ડોલરના પગારના કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં સામેલ રહ્યો છે. ફોર્બ્સનું કહેવું છે કે તેની કમાણીનો મોટો હિસ્સો કરારથી આવે છે. સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં રોનાલ્ડો ૯ કરોડ ૩૦ લાખ ડોલર સાથે પ્રથમ સ્થાન ઉપર છે. અમેરિકાના બાસ્કેટ બોલ ખેલાડી લિબ્રોન જેમ્સ ૮ કરોડ ૬૨ લાખ ડોલર સાથે બીજા સ્થાને છે જ્યારે લિયોનેલ મેસ્સી ૮ કરોડ ડોલર સાથે ત્રીજા સ્થાને છે. ટેનિસ સ્ટાર રોજર ફેડરર ૬ કરોડ ૪૦ લાખ ડોલર સાથે ચોથા સ્થાને છે. આ યાદીથી જાણવા મળે છે કે, ૧૦૦ ખેલાડીઓની યાદીમાં માત્ર એક જ મહિલા ખેલાડી છે. ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ બે કરોડ ૭૦ લાખ રૂપિયાની કમાણી સાથે ૫૧માં સ્થાને છે. આ યાદીમાં ૫૧ દેશોના ખેલાડીઓન જગ્યા મળી છે પરંતુ આમા અમેરિકી પ્રભુત્વ સ્પષ્ટપણે જોઇ શકાય છે. અમેરિકાના ૬૩ ખેલાડીઓ આ યાદીમાં સામેેલ છે. અમેરિકાના બાસ્કેટબોલ ખેલાડી કેવિન ડરન્ટ પાંચમાં સ્થાને છે. જો કે, ફોર્બ્સે કહ્યું છે કે, ટાઇગર વુડ્‌ઝ ૧૭માં સ્થાને રહ્યો છે. ટાઇગર વુડ્‌સની થોડાક સમય પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ટાઇગર વુડ્‌સની સંપત્તિમાં ઘટાડો થઇ રહ્યો છે. આ યાદીમાં નોવાક જોકોવિક ૧૬, રાફેલ નડાલ ૩૩, ફુટબોલ સ્ટાર વાઈને રુની ૭૦માં ક્રમાંકે છે. ફોર્બ્સનું કહેવું છે કે, ૧૦૦ હાઈએસ્ટ પેડ સ્પોટ્‌ર્સ સ્ટારની સંયુક્ત સંપત્તિ છેલ્લા ૧૨ મહિનામાં ૧૩.૧૧ અબજ ડોલર રહી છે જે ગયા વર્ષની સરખામણીમાં એક ટકા ઓછી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts