(એજન્સી) અલ્હાબાદ, તા.૪
ઉત્તરપ્રદેશમાં કદાચ કાયદાનો ભય કોઈને નથી અને કાયદો અને વ્યવસ્થાની મજાક બનતા પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે. તાજો કિસ્સો અલ્હાબાદનો છે, જ્યાં એક ૭૦ વર્ષીય નિવૃત્ત પોલીસકર્મી સાથે નિર્દયતાથી મારઝૂડ કરી તેની હત્યા કરી નાખવામાં આવી. નિવૃત્ત પોલીસકર્મી સાથેની મારઝૂડની સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બીજી તરફ આ કેસમાં હાઈકોર્ટે જાતે જ હસ્તક્ષેપ કરી અલ્હાબાદ પોલીસ પાસેથી અહેવાલ માંગ્યો છે. કોર્ટે પોલીસને આવતીકાલ સુધીમાં જવાબ આપવાનું કહ્યું છે અને સાથે જ તેમ પણ પૂછ્યું છે કે, હજુ સુધી આ કેસમાં આરોપીઓની ધરપકડ કેમ થઈ નથી. જ્યારે આ ઘટનાની સીસીટીવી ફૂટેજ સામે આવી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસ જમીન વિવાદ સાથે જોડાયેલો છે, શિવકુટી પોલી સ્ટેશન વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસકર્મી અબ્દુલ સમદનો નજીકમાં રહેતા એક ગુનાહિત ઈતિહાસ ધરાવતા જુનૈદ સાથે મકાન અંગે વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે પહેલાં પણ તેમની વચ્ચે ઘણીવાર બોલાચાલી થઈ ચૂકી હતી. શીલાખાના મસ્જિદના રહેવાસી અબ્દુલ સમદખાન પોલીસ વિભાગમાં પોલીસકર્મીના પદ પરથી વર્ષ ર૦૦૬માં અલ્હાબાદમાંથી જ નિવૃત્ત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે અબ્દુલ સમદ સાઈકલ પર બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ઘરથી થોડેક દૂર ગુનાહિત ઈતિહાસ ધરાવનાર જુનૈદે પોતાના કેટલાક સાથીઓ સાથે તેમને ઘેરી લીધા અને પોલીસકર્મી પર દંડા ઉપરાંત ધારદાર હથિયારથી હુમલો કરી દીધો. ધોળા દિવસે ઘટેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે. જુનૈદ અને તેના સાથીઓએ સમદ પર ઘણાં પ્રહાર કર્યા અને તેમને લોહીલુહાણ કરી દીધા. તેઓ દોડતા રહ્યા, ભાગતા રહ્યા, પરંતુ તેમની મદદ માટે કોઈ પણ આગળ આવ્યું નહીં અને બધા જ મૂકપ્રેક્ષક બની રહ્યા. કોઈપણ પ્રકારે પોલીસને તેની સૂચના મળી પરંતુ ત્યાં સુધી આરોપી ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. અબ્દુલ સમદને ત્યાંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા.