(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વણેસા ગામના શ્રીમંત વર્ગના ખેડૂત પિતાના અઢી વર્ષિય નિરવની લાશ નદીમાંથી શોધી કાઢવા માટે આજે સુરત મનપાની ફાયર બ્રિગેડની ટીમે મરોલીથી ઉભરાટ સુધીની નદીમાં શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અઢી વર્ષના પુત્ર નિરવનું અપહરણ કર્યા બાદ અપહરણકર્તાઓએ નદીમાં ફેંકી દીધો હોવાની વાર્તા કરનાર બારડોલીના વણેસા ગામના ખેડૂત નિશિત રાજેશભાઇએ વધુ એક વખત ફેરવી તોળી પુત્ર હાથમાંથી છટકીને નદીમાં પડ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ ઘટના અંગે પોલીસે સુરતના ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાની મદદથી નદીમાં ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કશું હાથમાં આવ્યું ન હતું. દરમિયાન આજરોજ સુરત મનપાના ફાયર બ્રિગેડના ઓફિસર જગદીશ પટેલ અને મહેશ પટેલ સહિત ૧૨ ફાયર જવાનોની એક ટીમ બનાવી મરોલીથી લઈ ઉભરાટ સુધીની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. આ લખાય છે ત્યાં સુધી નિવનો કોઈ પત્તો લાગ્યો ન હતો. મોડી સાંજે દાંડી ખાતે ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. આ તરફ પોલીસ નિવના પિતા નિશિત રાજેશ પટેલની સધન પૂછપરછ કરી રહ્યાં છે. અગાઉ અપહરણને વાત કહેનાર નિશિતે પોતાના હાથમાંથી નિરવ પડી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હજુ સુધી નિશિતની વાત ઉપર પોલીસને ભરોસો નથી.