સંયુક્તરાષ્ટ્ર,તા. ૧૭
સંયુક્ત રાષ્ટ્રમાં ઉત્તર કોરિયાના ડેપ્યુટી હાઈકમિશનરે કહ્યું છે કે, કોરિયન દ્વિપમાં હવે તંગદિલી ચરમસીમા ઉપર પહોંચી ગઇ છે. કોઇપણ સમયે યુદ્ધની શરૂઆત થઇ શકે છે. કિમ ઇન રયોંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની નિસ્ત્રીકરણ સમિતિને કહ્યું છે કે, દુનિયામાં માત્ર ઉત્તર કોરિયા એ દેશ છે જે વર્ષ ૧૯૭૦ના દશકથી અમેરિકા દ્વારા સીધીરીતે પરમાણુ હુમલાના ખતરામાં રહે છે. કિમનું કહેવું છે કે, ઉત્તર કોરિયાને પોતાની સુરક્ષાના અધિકાર હેઠળ પરમાણુ હથિયારો રાખવાની સત્તા છે. કિમે અમેરિકા તરફથી કોરિયન દ્વિપમાં પરમાણું સપત્તિમાં પ્રદર્શન કરવા માટે દર વર્ષે યોજાનાર લશ્કરી અભ્યાસની પણ ઝાટકણી કાઢી હતી. ત્યારબાદ કિમે પોતાના નેતા કિમ જોંગ ઉનને મારી નાંખવા માટે અમેરિકી સિક્રેટ ઓપરેશન ઉપર પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે, આ બાબત ખુબ જ ખતરનાક છે. કિમે કહ્યું હતું કે, આ વર્ષે ઉત્તર કોરિયાએ ન્યુક્લિયર ફોર્સ તૈયાર કરી લીધી છે અને તે સંપૂર્ણપણે પરમાણુ સક્ષમ દેશ તરીકે છે. તેની પાસે તમામ પ્રકારના ઘાતક બોંબ છે જેમાં એટોમ બોંબ, હાઈડ્રોજન બોંબ અને બેલાસ્ટિક રોકેટનો સમાવેશ થાય છે. સમગ્ર અમેરિકા અમારી મિસાઇલની હદમાં આવી શકે છે. જો અમેરિકા અમારા ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કરશે તો કઠોર સજા કરવા માટે અમે તૈયાર છે. કિમે પોતાના ભાષણમાં ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વધતી ધમકીઓ અને સંયુક્ત રાષ્ટ્રના કઠોર પ્રતિબંધની પણ વાત કરીહતી. રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને સોમવારના દિવસે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ ઉપર ઉત્તર કોરિયાને મદદ ઘટાડાઈ છે.