કોલકાતા, તા. ૨૦
કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ આજે ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. પાંચમા અને અંતિમ દિવસે જ્યારે ખરાબ રોશનીના કારણે રમત રોકી દેવામાં આવી ત્યારે ભારતે ખુબ મજબુત સ્થિતી મેળવી લીધી હતી. શ્રીલંકાએ સાત વિકેટ ૭૫ રનમાં ગુમાવી દીધી હતી. ૨૩૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. પ્રથમ ઇનિગ્સમાં ચાર વિકેટ ઝડપનાર ભુવનેશ્વર કુમારે બીજી ઇનિગ્સમાં પણ ચાર વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સામીએ બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી.
કોહલીની ૫૦ સદી
આંતરરાષ્ટ્રીય મેચોમાં વિરાટ કોહલીએ વધુ એક વિરાટ સિદ્ધિ મેળવી લીધી છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ૫૦મી સદી ફટકારી હતી. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૮મી સદી ફટકારી હતી. આ ઉપરાંત પણ કોહલીએ કેટલીક નવી સિદ્ધિ મેળવી હતી. ઇડન ગાર્ડન પર કોહલીએ પ્રથમ સદી ફટકારી હતી. આ ઉપરાંત ભારતના કેપ્ટન તરીકે સુનિલ ગાવસ્કરના સૌથી વધુ ૧૧ સદી ફટકારવાના રેકોર્ડની પણ કોહલીએ બરોબરી કરી હતી. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદીનો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી હવે અડધે સુધી પહોચી ગયો છે. તમામ ક્રિકેટ ચાહકો નક્કરપણે માને છે કે, વિરાટ કોહલી સચિન તેંડુલકરના રેકોર્ડને સરળતાથી તોડી દેશે.