અંકલેશ્વર, તા.૧૩
હિન્દુ-મુસ્લિમ એક સંપીના ચાહક અને વ્યસનમુક્તિના પ્રખર હિમાયતી મોટામિયાં માંગરોળના ગાદીવાળા હજરત હાજી પીર કાયમુદ્દિન ચિશ્તીના સુપુત્ર અને એકલબારા દરગાહ ખાતેની ગાદીના સજ્જાદાનશીન હાજી કદીર પીરઝાદાની અધ્યક્ષતામાં અંકલેશ્વરના કાપોદ્રા ખાતે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ લાભ પાંચમના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિશ્તીયા ભજન મંડળી દ્વારા ભજન રજૂ કરાયા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં હાજી પીર કદીર પીરઝાદાએ લોકોને વ્યસન મુક્તિ, ઘરે-ઘરે ગાયો પાળો અને ભાઈચાર માટે આહવાન કરી સંદેશો આપ્યો હતો.
વધુમાં પીર કદીર પીરઝાદાએ જણાવ્યું હતું કે, આ પરંપરા જાન્યુઆરી મહિનામાં એકલબારામાં ગૌશાળા શરૂ કરીશું જેમાં મુખ્ય મહેમાન તરીકે રામકથાના માહિર મોરારી બાપુ ઉપસ્થિત રહેવાના છે. હિન્દુસ્તાનના ઈતિહાસમાં પ્રથમ વખત દરગાહ પર ગૌશાળા શરૂ થઈ રહી છે.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા, ભૂપેન્દ્ર જાની, તાલુકા પંચાયત સભ્ય આયશાબેન મોદી, મગન માસ્તર, ઇબ્રાહીમ માંજરા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા કાલીદાસભાઇ ભગત, છનાભાઇ ભગત, ઝીણાભાઇ ભગત, ઇશ્વરભાઇ ભગત, કંચનભાઇ ભગત, રમેશભાઇ ભગત અરવિંદભાઇ ભગત દ્વારા કારવામાં આવ્યું હતું.આ પ્રસંગે રફીક બાવા પીરઝાદા અને અરહમ પીરઝાદાએ ઉપસ્થિત રહી તમામને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.