
અમદાવાદ, તા.૧૦
જમિયત ઉલમા અહમદાબાદ જિલ્લા તરફથી સદ્ભાવના કાર્યક્રમનું ખાનપુરની ઓફિસમાં જન. સેક્રેટરી પ્રો.નિસારઅહેમદ અન્સારીના અધ્યક્ષ પદે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુ, મુસ્લિમ અને દલિત સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જમિયત ઉલમા ગુજરાતના નાયબ સદર મુફતી મુહમ્મદ અસ્જદ કાસીમીએ મહેમાનોનું સ્વાગત કરી સંસ્થાની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશીકાંત પટેલ, હબીબ મેવ, મૌલાના મહેબૂબ કાસીમી, હાફિઝ બશીરઅહેમદ, મુફતી અરશદ કાસીમી, જી.પી.ચાવાલા, અબરાર અહમદ શેખ, અહમદઅલી અન્સારી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગ્યાસુદ્દીન શેખે સભાને સંબોધતા કોમી એકતા ઉપર ભાર મૂક્યો હતો અને આવનાર દિવસોમાં રથયાત્રા સંપૂર્ણપણે શાંતિ અને એખલાસપૂર્વક પૂરી થાય તેવા પ્રયત્નો કરવા યુવાનોને ખાસ અનુરોધ કર્યો હતો. ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, રથયાત્રા અમારા જમાલપુરમાંથી નીકળતી હોઈ અમે દર વર્ષે તેનું સ્વાગત કરતાં હોઈએ છીએ અને આ વર્ષે પણ કરીશું. આ પ્રસંગે હું મારા વિસ્તારના યુવાનોને ખાસ સંદેશ અને મુબારકબાદ આપું છું કે, જેઓ દર વર્ષે આ કાર્યને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવે છે અને આ વખતે પણ તેઓ શાનદાર સ્વાગત કરશે. શશીકાંત પટેલે પણ પ્રાસંગિક પ્રવચન આપતાં સંપૂર્ણ સાથ અને સહકારની ખાત્રી આપી હતી. પ્રમુખ સ્થાનેથી બોલતા પ્રો.નિસારઅહેમદ અન્સારીએ દેશની પરિસ્થિતિનું અવલોકન કરતાં નફરતના માહોલને પ્રેમ દ્વારા કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં બદલી શકાય તેવો અનુરોધ કર્યો હતો તેમણે વધુમાં કહ્યું કે, આપણે નિરાશ થયા વગર પ્રેમના સંદેશાને વધુમાં વધુ ફેલાવીએ છીએ તે જ દેશના હિતમાં છે. મુફતી મુહમ્મદ અરશદ કુરેશી, (જન.સેક્રેટરી જમિયત ઉલમા જિલ્લા અહમદાબાદ)એ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મુફતી મુહમ્મદ અસજદ કાસીમીએ કર્યું હતું. જમિયત ઉલમા ગુજરાતના સેક્રેટરી મુહમ્મદ અસલમ કુરેશીએ મહેમાનોનો આભાર માન્યો હતો. મુફતી મુહમ્મદ અસજદ કાસીમીએ મૌલાના અબ્દુલ્લાહ કાપોદરવીના ઈસાલે સવાબ માટે દુઆ કરી હતી.