(એજન્સી) તા.પ
તાજેતરમાં દેશભરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દરમિયાન દેશભરમાં જુદા જુદા સ્થળોએ સરઘસનું આયોજન પણ કરાયું હતું. પરંતુ દિલ્હીમાં એક એવી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા. અહીં બડા હિન્દુ રાઉ મસ્જિદ નજીકથી જ્યારે જન્માષ્ટમી નિમિત્તે આયોજિત સરઘસ પસાર થઇ રહ્યું હતું ત્યારે હિન્દુ ભાઇઓએ કોમી સૌહાર્દનું ઉદાહરણ પૂરું પાડતાં નારા-એ-તકબીરનો જોરશોરથી સૂત્રોચ્ચાર કર્યો હતો. જોકે હિન્દુઓના મોંઢેથી આવી નારેબાજી સાંભળીને સ્થાનિક મુસ્લિમો સહિત તમામ ધર્મના લોકો ચોંકી ગયા હતા. નોંધનીય છે કે અનેકવાર આપણે આવા ધાર્મિક સરઘસો દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો કે ટિપ્પણીઓ વિશે સાંભળીએ છીએ અને તેના બાદ હિંસાના પણ સમાચાર પણ મળે છે. આ વખતે તો દૃશ્ય જ ઉલટું હતું. આ વખતે હિન્દુ ભાઇઓએ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ભારતીય કોમી સાંસ્કૃતિને ફરી જીવંત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનાથી કટ્ટરવાદીઓ નિરાશ થયા હશે. તમને જણાવી દઈએ કે જ્યારે આ સરઘસની મંજૂરી માગવામાં આવી હતી ત્યારે જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની યોજના બનાવી લીધી હતી. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જ્યારે સરઘસ વિસ્તારમાં પ્રવેશ્યું તો દૃશ્ય જ બદલાઇ ગયું. જ્યારે સરઘસ એહલે સુન્નત મસ્જિદ ઓફ બડા હિન્દુ રાવ નજીક પહોંચ્યું તો હિન્દુઓએ નારા-એ-તકબીરની સદા બુલંદ કરી હતી. જેને સાંભળતાં જ તમામ લોકો અચરજ પામી ગયા હતા. જોકે કેટલાક લોકોને લાગ્યું કે આ નારેબાજી કોઇ મુસ્લિમો દ્વારા કરવામાં આવી રહી છે. પણ સરઘસ ગયા બાદ જાણ થઇ કે ભગવાધારી યુવાઓએ જેમણે તિલક પણ લગાવ્યા હતા તેઓએ આ સૂત્રોચ્ચાર કર્યો હતો. સામાજિક કાર્યકર સઇદ ખાને કહ્યું કે આ ભાઇચારાનો સંદેશ આપે છે. અમે આઝાદ માર્કેટમાં આ સરઘસનું સ્વાગત પણ કર્યું હતું. બંને સમુદાયના લોકો એકબીજાને ગળે પણ ભેટ્યા હતા અને મીઠાઇઓ પણ વહેંચી હતી.