અમદાવાદ, તા.૧૩
અમદાવાદ શહેરમાં જ્યાં ભારે વરસાદ બાદ શહેરના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની જવા પામી છે ત્યાં બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવને કારણે પૂર્વઝોનના બાપુનગરમા એક જ રસ્તો બે વાર રીસરફેસ કરવામા આવતા મ્યુનિસિપલ તિજોરીને રૂપિયા ૨૫ લાખનુ નુકસાન થવા પામ્યુ છે.આ અંગે મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરમાં ધોવાયેલા અને તુટેલા રસ્તાઓની સ્થિતિને લઈને રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ગત ગુરૂવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સહીતના પદાધિકારીઓને તાબડતોબ બોલાવીને તેમને ઠપકો આપ્યો હતો ઉપરાંત શહેરના ધોવાયેલા કે તુટેલા રસ્તાઓ રીસરફેસ કરવા માટે જે કાંઈ પણ કરવુ પડે એ તાકીદે કરવા સુચના આપી છે આ પરિસ્થિતિમાં ઝડપમાં મ્યુનિસિપલ તંત્રના જ બે વિભાગો દ્વારા કેવુ કાચુ કપાઈ રહ્યુ છે એની પણ ચોંકાવનારી વિગત બહાર આવવા પામી છે. અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં આવેલા બાપુનગર વોર્ડમાં બાપુનગર પાણીની ટાંકીથી એસ.પી.રીંગ રોડ સુધીનો રસ્તો ભારે વરસાદને પરિણામે તુટી જવા પામ્યો હતો.આ રસ્તાને રીસરફેસ કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ બે વિભાગો તરફથી બે વખત કરાવવામા આવી હતી.પહેલા જે રોડ રીસરફેસની કામગીરી કરવામા આવી તે ઝોન સ્તરે શરૂ કરાવવામા આવી હતી ઉપરાંત કામગીરી પુરી થયા બાદ પણ રોડ પ્રોજેકટને આ બાબતની જાણ કરવામા ન આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટ તરફથી પણ આ જ રસ્તાને રીસરફેસ કરવાની કામગીરી સોંપી દેવામા આવતા એક જ રસ્તો બે વખત રીસરફેસ કરવામા આવ્યો છે જેના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી ઉપર વધારાનુ રૂપિયા ૨૫ લાખનુ ભારણ પડવા પામ્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યુ કે,એક તરફ શહેરના અનેક રસ્તાઓ ખુબ ખરાબ હાલતમા છે જેને તાકીદે રીસરફેસ કરવાની તાતી જરૂર છે.